રૂપાલા મામલે ભાજપના ઉપાધ્યક્ષ સામે મીડિયામાં આંગળી ચિંધાતા સામો પડકાર કરતા પાટીદાર અગ્રણી
રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા એક વિધાન બાદ ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલો રોષ આજે ૧૬ દિવસ થયા છતાં શમવાનું નામ લેતો નથી. આવા સંજોગોમાં ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને પાટીદાર નેતા ડો.ભરત બોઘરાએ કાલે મીડિયા સમક્ષ એવો પડકાર ફેંકયો હતો કે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન ચાલે છે તે નેતાઓ સાથે મારા કોઇ સંપર્ક સાબિત થાય તો હું રાજકારણ છોડી દઇશ. તેમણે આગળ વધીને એમ પણ કહ્યું હતું કે મારો નહી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઇપણ કાર્યકર કે નેતાની ભુમિકા હોય શકે જ નહી.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત માનવામાં આવે છે અને સ્થાનિક નેતાઓ આ આંદોલન પ્રાથમિક તબક્કામાં હતું ત્યારે સમાધાન ન કરી શકયા એટલે રાજકોટના મુખ્ય નેતાઓ સામે ખાનગીમાં આંગળી ચિંધાઇ રહી છે અને તેમની ભૂમિકા વિશે પણ શંકા ઉભી થઇ છે. આવા સંજોગોમાં ડો.બોઘરાએ તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યુ છે.
આંદોલનનો ચહેરો એવા પદ્મિનીબા વાળા ભરત બોઘરાની હાજરીમાં થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતાં. આ અંગે તેમણે કહ્યું કે ભાજપમાં જોડાય તેમની માનસિકતાનું માપવાનું મીટર હોતું નથી. તેમણે રાજીનામુ આપી દીધુ છે. રૂપાલા સામેના આંદોલનમાં સંડોવણી બાબતે તેમની જવાબદારી પક્ષે ઓછી કરી હોવાની બાબતને નકારી હતી.
કરણી સેનાના રાજ શેખાવતે મંગળવારે કમલમનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. જો કે ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા નેતાઓની સંકલન સમિતિ અને કોર સમિતિએ આ કોલ તેમનો નથી તેમ જણાવ્યું છે. શેખાવત આ આંદોલનને સમાંતર પોતાની રીતે કાર્યરત છે. આ સંજોગોમાં હવે ક્ષત્રિય સમાજના નેતાઓમાં તડા પડયા હોવાની ચર્ચા પણ વહેતી થઇ છે. શેખાવતની જાહેરાતને કારણે કમલમ પર પોલીસ બંદોબસ્ત કરાયો છે.


