- વિદેશી ધરતી પર થઈ રહ્યા છે ભારતના દુશ્મનોના મોત
- પાકિસ્તાનના આરોપોને લઈને બ્રિટિશ મીડિયાના અહેવાલો
- બંને દેશોને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરતું USA
તાજેતરમાં વિદેશી ધરતી પર ભારતના અનેક દુશ્મનો માર્યા ગયા છે. પાકિસ્તાનમાં પણ ભારતના દુશ્મનોની હત્યાઓ થઈ છે. પાકિસ્તાને ભારત પર આ આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. હવે અમેરિકાએ આ અંગે નિવેદન જાહેર કરીને બંને દેશોને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી છે.
જાણો શું કહ્યું અમેરિકાએ?
અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના આરોપોને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. આ અંગે મેથ્યુ મિલરે કહ્યું, ‘અમે આ મુદ્દે મીડિયા રિપોર્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ. અમે આરોપોને લઈને કઈ જ નથી કહેવા માંગતા. અમે આ મુદ્દે દખલ નથી કરવા માંગતા, પરંતુ અમે બંને પક્ષોને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
બ્રિટિશ મીડિયાના કેટલાક અહેવાલોમાં પાકિસ્તાનના આરોપોને લઈને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જોકે, ભારતે આ અહેવાલોને ભ્રામક અને ખોટો પ્રચાર ગણાવ્યો છે. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ વિદેશી ધરતી પર દેશના દુશ્મનોને નિશાન બનાવ્યા હતા. 2019 માં પુલવામા હુમલા પછી, આવી 20 ઘટનાઓ બની છે જેમાં અજાણ્યા હુમલાખોરોએ વિદેશી ધરતી પર ભારતના દુશ્મનોને નિશાન બનાવ્યા હતા.


