- સતત વધી રહી છે અનિયમિત જળવાયુ પરિવર્તનની ઘટનાઓ
- 1850 બાદ 2023 રહ્યું સૌથી વધુ ગરમ વર્ષ: C3S
- દુષ્કાળની સ્થિતિ, જંગલોમાં આગ, ગ્રીનહાઉસ ગેસોની અસરથી વધે છે ગરમી
દુનિયાભરમાં પહેલેથી જ અનિયમિત જળવાયુ ઘટનાઓ જોવા મળી રહી છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ અનિયમિત જળવાયુ પરિવર્તનની ઘટનાઓ વધી રહી છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગની અસરો વધી રહી છે તેમ તેમ ગરમીના ઐતિહાસિક રેકોર્ડ તોડવાના જોખમો વધી રહ્યા છે. વાસ્તવમાં, યુરોપિયન સંઘની જળવાયુ પરિવર્તન સર્વેલન્સ સર્વિસનો દાવો છે કે છેલ્લા 10 મહિનામાં ગરમીએ વૈશ્વિક સ્તરે નવા રેકોર્ડ બનાવ્યા છે. દર મહિને તાપમાનનો એક નવો રેકોર્ડ બની રહ્યો છે. તો, આ વખતે વિશ્વમાં સૌથી ગરમ મહિનો માર્ચ મહિનો રહ્યો હતો.
છેલ્લા 10 મહિનામાં તોડયા તમામ રેકોર્ડ
યુરોપિયન સંધની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (C3S) ના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 મહિનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ ઉપરાંત, માર્ચની સાથે પૂર્ણ થઈ રહેલા 12 મહિનાઓ પણ અત્યાર સુધીના સૌથી ગરમ રહ્યા છે. એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધી વૈશ્વિક સરેરાશ તાપમાન 1850-1900 પૂર્વ-ઔદ્યોગિક સમયગાળામાં સરેરાશ કરતા 1.58 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.
ઝડપથી બદલાઈ રહી છે આબોહવા
C3Sના ડેપ્યુટી ડાયરેક્ટર સમન્થા બર્ગેસે જણાવ્યું છે કે, ‘આ રેકોર્ડ સામાન્ય નથી. આનાથી અમે ખૂબ જ ચિંતિત છીએ. મહિને દર મહિને આ પ્રકારના રેકોર્ડ્સ દર્શાવે છે કે આપણું વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે.”
1850 બાદ સૌથી વધુ ગરમ રહ્યું 2023નું વર્ષ
તેમણે જણાવ્યું કે 1940થી લઈને અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો ખ્યાલ આવે છે કે આટલા વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ ગરમી માર્ચ મહિનામાં પડી છે. જ્યારે વૈશ્વિક સ્તરે 1850 બાદ 2023 સૌથી ગરમ વર્ષ રહ્યું. આ વર્ષે હવામાન અને અસાધારણ તાપમાન ચરમસીમાએ જોવા મળ્યું હતું.
જાણો શું હતું રેકોર્ડ બ્રેક ગરમીનું કારણ
એમેઝોનના જંગલમાં વરસાદના અભાવે દુષ્કાળની સ્થિતિ રહી. તો, જાન્યુઆરી-માર્ચ દરમિયાન વેનેઝુએલાના જંગલોમાં લાગેલી આગે પણ રેકોર્ડ તોડવાનું કામ કર્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકામાં, દુષ્કાળને કારણે પાકનો નાશ થયો અને લાખો લોકોને ભૂખમરોનો સામનો કરવો પડ્યો. C3S એ જણાવ્યું કે ઝડપથી વધતી ગરમી પાછળનું કારણ માનવ દ્વારા ઉત્પન્ન થયેલ ગ્રીનહાઉસ વાયુઓ છે. તાપમાનમાં વધારો કરતા અન્ય પરિબળોમાં અલ નિનોનો સમાવેશ થાય છે. અલ નીનો ડિસેમ્બર-જાન્યુઆરીમાં ટોચે પહોંચ્યો હતો અને હવે તે નબળો પડી રહ્યો છે.


