- વિદ્યાર્થી હૈદરાબાદથી અમેરિકા ભણવા ગયો હતો
- ત્રણ અઠવાડિયાથી ગુમ થયેલા વિદ્યાર્થીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
- પિતાએ કહ્યું- અપહરણ થયું, ખંડણી માટે ફોન આવ્યો
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો યથાવત છે. ગત મહિનાથી ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી અમેરિકન શહેર ક્લીવલેન્ડમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. એક અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો આ બીજો કિસ્સો છે. હૈદરાબાદના નાચારામનો રહેવાસી મોહમ્મદ અબ્દુલ અરાફત ગયા વર્ષે મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા આવ્યો હતો.
ભારતીય દૂતાવાસ મદદ કરી રહ્યું છે
“એ જાણીને દુઃખ થયું છે કે મોહમ્મદ અબ્દુલ અરાફતનો મૃતદેહ, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે ક્લેવલેન્ડ, ઓહાયોમાં મળી આવ્યું છે,” ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. વિદ્યાર્થીના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે. કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે, “અમે શોકગ્રસ્ત પરિવારને તેના મૃતદેહને ભારત લઈ જવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છીએ.”
ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
અરાફતના પિતા મોહમ્મદ સલીમે કહ્યું હતું કે અરાફતે તેની સાથે છેલ્લીવાર 7 માર્ચે વાત કરી હતી અને ત્યારથી તે તેના પરિવાર સાથે સંપર્કમાં નહોતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો. અમેરિકામાં અરાફતના રૂમમેટે તેના પિતાને જાણ કરી હતી કે તેણે ક્લેવલેન્ડ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પરિવારને ફોન આવ્યો
દરમિયાન, માર્ચ 19 ના રોજ, અરાફાતના પરિવારને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જેણે દાવો કર્યો હતો કે અરાફતનું અપહરણ કરવામાં આવ્યું હતું, કથિત રીતે ડ્રગ ગેંગ દ્વારા તેનુ અપહરણ કરી તેને છોડાવવા ખંડણીની માંગણી કરી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે ફોન કરનારે ખંડણી નહીં ચૂકવવામાં આવે તો અરાફતની કિડની વેચી દેવાની ધમકી આપી હતી.કમનસીબે હૈદરાબાદથી અરમાન સાથે ભણવા ગયેલ વિદ્યાર્થીનું અકાળે મોત થયુ છે.


