- અમેરિકન હિંદુ સમુદાય દ્વારા દેશમાં પક્ષપાતનો સામનો કરવો પડતો હોવાનો આરોપ
- ભારતીય મૂળના સાંસદ શ્રી થાનેદારે રજૂ કરેલા પ્રસ્તાવને ગૃહની સમિતિને મોકલાયો
- હિંદુ અમેરિકન સમુદાયે અમેરિકાની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે,
અમેરિકાની સંસદ સમક્ષ અમેરિકામાં આવેલાં હિંદુ મંદિરો પરના હુમલાઓ અને હિંદુફોબિયાની નિંદા કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતીય મૂળના કોંગ્રેસમેન શ્રી થાનેદારે રજૂ કરેલા પ્રસ્તાવને સમીક્ષા માટે ગૃહની સમિતિને મોકલી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે આની પહેલાં પણ ભારતીય મૂળના સાંસદોએ ન્યાય વિભાગને પત્ર લખીને હિંદુ મંદિરો પર થઈ રહેલા હુમલાનો જવાબ માંગ્યો હતો.પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ અમેરિકન સમુદાયે અમેરિકાની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, તેમ છતાં, આ વર્ગને પક્ષપાતનો સામનો કરવો પડે છે. સ્કૂલ કોલેજોમાં હિંદુ અમેરિકન વિદ્યાર્થીને ચિડાવવામાં આવે છે. સાથે જ તેમણે પક્ષપાત, ઘૃણા, ગુનાનો સામનો કરવો પડે છે. એફબીઆઈની ઘૃણા સાથે સંબંધ ધરાવતા એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં હિંદુઓ સામે ઘૃણા અપરાધની ઘટનાઓ અને મંદિરો પરના હુમલા વધ્યા છે. પ્રસ્તાવ અનુસાર, છેક 1900થી દુનિયાભરના જુદાજુદા ભાગોમાંથી હિંદુ સમુદાયના લોકો અમેરિકામાં આવી રહ્યા છે અને તેમની સંખ્યા લગભગ 40 લાખ આસપાસ છે. અમેરિકાના અર્થતંત્રમાં અને દરેક ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં આ સમુદાયનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
ન્યાય વિભાગને પત્ર લખ્યો હતો
થોડા દિવસો પહેલાં જ, 29 માર્ચે ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, થાનેદાર, એમી બેરા, અને પ્રમિલા જયપાલે પણ અમેરિકાના ન્યાય વિભાગને એક પત્ર લખીને હિંદુ મંદિરો પર થતા હુમલાની ઘટનાઓની તપાસની માહિતી માંગી હતી. પત્રમાં કહેવાયું હતું કે, ન્યૂયોર્કથી લઈને કેલિફોર્નિયા સુધીનાં રાજ્યોમાં આવેલાં મંદિરો પર હુમલા થયા છે. જેનાથી અમેરિકામાં રહેતા હિંદુ સમુદાયના લોકોમાં ડર અને ગભરાટ ફેલાયો છે. મંદિરો પરના હુમલાની તપાસની પ્રગતિ બાબતે સાંસદોએ નારાજગી પ્રકટ કરી હતી અને પૂછયું હતું કે, તપાસ એજન્સીઓ આવી બાબતોને હલ કરવા માટે શું કરી રહી છે? કેવાં પગલાં ભરી રહી છે?


