- અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી
- ઈરાન કરી શકે છે બેલેસ્ટિક મિસાઈલ અથવા ડ્રોનનો ઉપયોગ
- ઇઝરાયેલનું સૈન્ય મથક હોઇ શકે છે મુખ્ય ટાર્ગેટ
દુનિયાના અનેક દેશો હાલ યુદ્ધની દહેશતથી ઘેરાયેલા છે. એક તરફ જ્યાં, રશિયા-યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા છ મહિનાથી લડાઈ ચાલી રહી છે. હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. હુમલાની આશંકા વચ્ચે ભારત, ફ્રાન્સ, પોલેન્ડ અને રશિયા સહિતના દેશોએ પોતાના નાગરિકોને આ પ્રદેશમાં મુસાફરી ન કરવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી દીધી છે. બીજી તરફ અમેરિકાએ કહ્યું છે કે ઈરાન તરફથી મળેલી ધમકી વાસ્તવિક અને વ્યવહારુ છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શું છે હુમલાના અહેવાલ?
વાસ્તવમાં, અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે ઈરાન ગમે ત્યારે આગામી દિવસોમાં ઈઝરાયેલમાં સૈન્ય અને સરકાર સંબંધિત લક્ષ્યાંકો પર હુમલો કરવાનો આદેશ આપી શકે છે. અમેરિકન ઈન્ટેલિજન્સ એસેસમેન્ટ બાદ આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
અમેરિકન ઈન્ટેલિજન્સ એસેસમેન્ટનો હવાલો આપીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલ અથવા ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. જો કે, રિપોર્ટમાંથી એ સ્પષ્ટ નથી થયું કે ઈરાન સીધી કાર્યવાહી કરશે કે તેના પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરશે.
અહેવાલો સૂચવે છે કે હુમલો લશ્કરી અને સરકારી ટાર્ગેટ પર થઈ શકે છે. સૌથી મોટો ટાર્ગેટ તેલ અવીવમાં ઇઝરાયેલનું સૈન્ય મથક હોઇ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનનું નિશાન એરપોર્ટ, ઇઝરાયેલની સંસદ અને જેરૂસલેમમાં પ્રધાનમંત્રી કાર્યાલય પણ હોઇ શકે છે.


