- મિડલ ઈસ્ટમાં વધુ એક યુદ્ધનો પ્રારંભ થયો
- ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું
- ઈરાને તેના હુમલાને યોગ્ય ઠેરવ્યો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ વચ્ચે રવિવારે 14 એપ્રિલે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરી દીધો છે. જેથી મિડલ ઈસ્ટમાં વધુ એક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાન તરફથી આ સીરિયાના દૂતાવાસ પર ઈઝરાયલે કરેલા હવાઈ હુમલાના જવાબમાં કાર્યવાહી કરાઈ છે. ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો છોડી છે. જેથી ગાઝામાં હમાસ અને ઈઝરાયલ ઉપરાંત વધુ એક સંકટ પેદા થયું છે.
200 થી વધુ ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવી હતી
ઈરાને ઈઝરાયેલ પરના તેના હુમલામાં 200 થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા, પરંતુ તેમાંથી ઘણાને ઈઝરાયેલની હવાઈ ક્ષેત્રમાં પહોંચતા પહેલા અટકાવી દેવામાં આવ્યા હતા. અમેરિકન અને બ્રિટિશ એરફોર્સે આ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં ઇઝરાયેલને મદદ કરી હતી. જ્યારે દક્ષિણ ઇઝરાયેલમાં લશ્કરી થાણાને નજીવું નુકસાન થયું હતું, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
મધ્ય પૂર્વના દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે
હુમલા બાદ મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈઝરાયેલના પશ્ચિમી સહયોગીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈરાનના હુમલાની નિંદા કરી છે. ઈઝરાયેલની વિનંતીના જવાબમાં રવિવારે સાંજે 4 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક મળશે. યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયેલને સમર્થન આપવાનું વચન આપ્યું છે અને ઇઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ઇરાનના હુમલાનો બદલો લેશે.
ઈરાને તેના હુમલાને યોગ્ય ઠેરવ્યો
ઈરાને દમાસ્કસમાં ઈઝરાયેલની કાર્યવાહીની સજા તરીકે તેના હુમલાને યોગ્ય ઠેરવ્યો છે. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના બે કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. યુએનમાં ઈરાનના મિશને યુ.એસ.ને તેમાં સામેલ થવાથી દૂર રહેવાની ચેતવણી આપી છે અને જો ઈઝરાયેલ વધુ ઉશ્કેરશે તો યોગ્ય જવાબ આપવાની ધમકી પણ આપી છે.
ઈઝરાયેલે યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા, રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ તાજેતરના હુમલાને તણાવમાં વધારો ગણાવ્યો હતો. “હુમલાથી તણાવમાં ઘણો વધારો થયો છે, જે ગંભીર અને ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરે છે,” હગારીએ કહ્યું. ઈરાનના મોટા પાયે હુમલા પહેલા જ ઈઝરાયેલ સંપૂર્ણ રીતે તૈયાર હતું. અમારી સંરક્ષણ પ્રણાલી પણ તૈયાર રાખવામાં આવી હતી. પોતાનો બચાવ હોય કે આક્રમક વલણ અપનાવવું હોય, અમે દરેક વસ્તુ માટે તૈયાર હતા. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇરાન સામે બદલો લેવાના પગલાં અંગે ચર્ચા કરવા તેલ અવીવમાં યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી છે.
ઈઝરાયેલના વડાપ્રધાને આ જવાબ આપ્યો હતો
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, “જે કોઈ અમને નુકસાન પહોંચાડશે તેની સામે અમે બદલો લઈશું.” તેમણે ઈઝરાયેલની સાથે ઊભા રહેવા માટે અમેરિકા તેમજ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોના સમર્થનની પ્રશંસા કરી. નેતન્યાહુએ સ્પષ્ટ સિદ્ધાંત પર ભાર મૂક્યો: “જે કોઈ આપણા પર હુમલો કરશે તેના પરિણામોનો સામનો કરવો પડશે.”


