- ડીસાના રબારી સમાજના સંમેલનમાં આપ્યું નિવેદન
- રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકાય તેવો કોઈ નિયમ નથી
- હું કોઈ સીધી રીતે રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો
બનાસકાંઠામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદનો મામલે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ પહોંચી છે. આ વચ્ચે શંકર ચૌધરીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, સંવૈધાનિક જગ્યા પર છું એટલે રાજકીય ભાષણ નથી કરતો. મને એ રીતનું કોઈ કાયદાકીય બંધન નથી.
આજે બનાસકાંઠા જિલ્લાના ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સંમેલનમાં શંકર ચૌધરીએ કોંગ્રેસ દ્વારા તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવાના મામલે મોટું નિવેદન આપ્યું છે.
જેમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, હું સંવૈધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ કરતો નથી. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભા અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે. રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવૈધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવા વાળો માણસ છું.
નોંધનીય છેકે, કોંગ્રેસે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી હતી. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરી બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા દેખાયા હતા, જે બંધારણીય રીતે યોગ્ય નથી.


