- ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઈપણ સમાજ માફ ન કરે
- કોઈપણ રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો: શકિતસિંહ ગોહિલ
- પહેલા ક્ષત્રિય સમાજનું અને પછી દલિત સમાજનું અપમાન કર્યું છે
પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી પર શકિતસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઈપણ સમાજ માફ ન કરે, કોઈપણ રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો, પહેલા ક્ષત્રિય સમાજનું અને પછી દલિત સમાજનું અપમાન કર્યું છે. રાજકીય પક્ષોની પણ કેટલીક જવાબદારી હોય છે, ભાજપે પહેલેથી પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવી જોઈતી હતી.
ભાજપે અહંકારથી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું: શકિતસિંહ ગોહિલ
ભાજપે અહંકારથી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે. કેટલાક ક્ષત્રિય આગેવાનોને કમલમ બોલાવી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કરાવડાવ્યું છે. કોઈ આંદોલનકારીની ઇરાદાપૂર્વક હાથ મારીને પાઘડી પાડવામાં આવે છે, સમાજનું વિભાજન કરવાનું ભાજપનું કાવતરું રાજકોટના સંમેલનમાં ફેલ ગયું છે. આ આંદોલન કોઈ મુઠ્ઠીભર નેતાએ ઉભુ કરેલું નથી, સ્વયંભૂ ઉભુ થયેલું છે. ભાજપ એમ માનતું હોય કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે તો ભાજપ ભ્રમમાં છે. ભાજપ હવે સમય ચૂકી ગયો છે.
રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં 12.39ના વિજય મુહૂર્તની જગ્યાએ 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. પરશોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


