- ઝાલાવાડમાં ચૈત્રી આઠમની ભક્તિભાવ સાથે ઉજવણી
- જિલ્લા ગ્રામ્યમાં અનેક પરિવારોએ કુળદેવીના નૈવેદ્ય કર્યા
- ચૈત્રી આઠમે માતાજીનાં દર્શનાર્થે મોટીસંખ્યામાં ભાવિકો ઉમટયા
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ આઠમની માતાજીના મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. શક્તિપીઠ ચોટીલા ખાતે ડુંગર પરના મંદિરમાં માં ચામુંડાના સાનિધ્યમાં આઠમ પર્વે હવન યોજાયો હતો. તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. ચૈત્રી આઠમે માતાજીનાં દર્શનાર્થે મોટીસંખ્યામાં ભાવિકો ઉમટતા સમગ્ર દિવસ દરમિયાન તળેટીમાં મેળાનો માહોલ જોવા મળ્યો હતો.
માં શકિતના આરાધનાના અવસર સમા ચૈત્રી નવરાત્રિના તહેવારોની જિલ્લામાં ગત તા. 9મી એપ્રિલથી શરૂઆત થઈ છે. આસો માસની નવરાત્રીની જેમ ચૈત્ર માસની નવરાત્રીનું પણ માઈભકતોમાં અનેરૂ મહત્વ રહેલુ છે. નવરાત્રિના નવ દિવસ માઈભકતો ઉપવાસ કરીને માતાજીની આરાધના કરે છે. જયારે જિલ્લાભરમાં તા. 19ને મંગળવારે આઠમની ઉજવણી કરાઈ હતી. સુરેન્દ્રનગર શહેરના માઈ મંદીર સહિતના મંદીરોમાં આઠમની ઉજવણી કરાઈ હતી. જેમાં માતાજીની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જયારે ઝાલાવાડના પવીત્ર યાત્રાધામ ચોટીલા ખાતે માં ચામુંડાના ડુંગર પર આઠમ પર્વે હવનનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં માઈભકતો ઉમટી પડયા હતા. આઠમે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોઈ ઝાલાવાડ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ભકતો માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા. બીજી તરફ અનેક પરીવારોએ પોતાના કુળદેવીને આઠમ પર્વે નૈવેદ્ય ધરાવ્યા હતા.


