- પાકિસ્તાનમાં સેના અને નાગરિકોને નિશાન બનાવી થઈ રહ્યા છે આતંકી હુમલા
- ચાઇનીઝ નાગરિકો બાદ હવે જાપાનીઝ નાગરિકો આતંકીઓના નિશાને
- બાઈકસવાર આતંકીઓએ જાપાનીઝ નાગરિકોની વાન પર કર્યો હતો હુમલો
પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી આતંકવાદીઓના નિશાના પર છે. અહીં આંતરા દિવસે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. ક્યારેક સેના તો ક્યારેક સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. થોડી દિવસો પહેલા એક હુમલામાં ચાઇનીઝ ઇજનેરોના મોતના ઘા હજુ રુઝાયા નથી ત્યાં આતંકવાદીઓએ શુક્રવારે સિંધ પ્રાંતમાં પાંચ જાપાની નાગરિકોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે તમામ નાગરિકો સલામત રીતે બચી ગયા હતા.
ઈસ્ટર્ન ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) અઝફર મહેસરે જણાવ્યું કે મોટરસાઈકલ પર સવાર આતંકવાદીઓએ લાંધીના મુર્તઝા ચોરંગી પાસે જાપાની નાગરિકોની વાનને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે પાંચેય જાપાની નાગરિકો સુરક્ષિત છે. જો કે તેની સાથે રહેલા ખાનગી સુરક્ષા ગાર્ડને ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે જાપાની નાગરિકો ક્લિફ્ટનના ઝમઝમામાં તેમના ઘરેથી ક્યાંક જઈ રહ્યા હતા.
આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી
કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)ના ડીઆઈજી આસિફ એજાઝ શેખે જણાવ્યું કે જાપાની નાગરિકો બે સુરક્ષાકર્મીઓ સાથે વાનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ તેમના વાહનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, એક આતંકવાદીને સુરક્ષા જવાનોએ માર્યો હતો, જ્યારે બીજાએ વાનની નજીક જવાનો પ્રયાસ કરતી વખતે પોતાની જાતને ઉડાવી દીધો હતો.


