સગાઈ તોડાવ્યા બાદ લગ્નનો ભરોસો આપી યુવતીનું શોષણ; વકીલની નોટિસથી ભાંડો ફૂટ્યો
યુવકની ધરપકડ; લગ્નનું વચન આપી મહિનાઓ સુધી શારીરિક સંબંધ બાંધ્યો, અંતે લગ્નનો ઇનકાર કરી સગાઈ તોડવાની નોટિસ મોકલતા ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક શોષણ કરાયાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવકે પહેલા યુવતીને તેની અગાઉની સગાઈ તોડાવવા માટે વિશ્વાસમાં લીધી, ત્યારબાદ બંને પરિવારોની હાજરીમાં સગાઈ પણ કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી વકીલ મારફતે સગાઈ તોડવાની નોટિસ મોકલતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ઘટનામાં યુવતીની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
એસીપી આર.એસ. બારીઆના જણાવ્યા મુજબ, 23 જૂનના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે તાલાલા મૂળના અને હાલ ભરૂચમાં ખાનગી નોકરી કરતા અવધ બટુકભાઈ ગોહિલ (ઉ.વ. 25) સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, સામાજિક પ્રસંગ દરમિયાન બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ સતત સંપર્ક વધ્યો હતો. ઓક્ટોબર-2025 દરમિયાન આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપતા તેણીએ પોતાની અગાઉ થયેલી સગાઈ તોડી નાખી હતી. બાદમાં બંને પરિવારોની સંમતિથી બંનેની સગાઈ અને જળવિધિ પણ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, ઓક્ટોબર-2025થી માર્ચ-2026 દરમિયાન આરોપીએ રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલા એક મકાનમાં લગ્નનો વિશ્વાસ અપાવી અનેક વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં આરોપીએ અચાનક લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને વકીલ મારફતે સગાઈ તથા જળવિધિ તોડવા માટે નોટિસ મોકલાવી હતી.
આ નોટિસ મળ્યા બાદ યુવતીને પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં તેણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ પીએસઆઈ એમ.એચ. ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.


