- માલદીવમાં 20મા સંસદીય ચૂંટણી પહેલા મોહમ્મદ મુઈજ્જુ સામે રિપોર્ટ લિક કરવાનો આરોપ
- મતદાન બાદ 28 એપ્રિલે આનું પરિણામ જાહેર કરવામાં આવશે
- ભારત વિરોધી માનસિકતા ધરાવતા રાષ્ટ્રપતિ મુઈજ્જુની મુશ્કેલી વધશે
પાડોશી દેશ માલદીવમાં સંસદીય ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણી ભારત વિરોધી વલણ ધરાવતા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ માટે અગ્નિપરીક્ષા છે. ચૂંટણી મેદાનમાં કુલ આઠ રાજકીય પક્ષ છે. જેને 93 મતવિસ્તારમાં કુલ 368 ઉમેદવાર ઉતાર્યા છે. તો વળી 2.8 લાખથી વધુ મતદારો 602 મતદાન કેન્દ્રો પર મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં વિદેશનાં ત્રણ મતદાન કેન્દ્રો પણ સામેલ છે. કોલંબો, ત્રિવેંદમ અને કુઆલાલ્મપુર.
પ્રથમ વખતના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની ભારત વિરોધી નીતિ, ખાસ કરીને હિંદ મહાસાગર ટાપુઓમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત મોકલવાનો નિર્ણય પણ આ ચૂંટણીમાં કસોટી કરશે. ડૉ. મુઈઝુના PPM-PNC ગઠબંધને સપ્ટેમ્બર 2023માં ‘ઈન્ડિયા આઉટ’ ના નારા પર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.
ગત સંસદમાં વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાસે 44 સાંસદો સાથે બહુમતી હતી. સંસદમાં બહુમતના અભાવે મુઈઝુને નવા કાયદા બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ચૂંટણીમાં માલદીવના લોકો સામે બેરોજગારી, જટિલ માળખાકીય સુવિધાઓનો વિકાસ અને નબળી અર્થવ્યવસ્થા મુખ્ય મુદ્દાઓ છે.
ચૂંટણી પહેલા મુઈજ્જુ મુશ્કેલીમાં
ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ નવી મુશ્કેલીમાં ફસાયા છે. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે. આ અંગે વિપક્ષ આક્રમક છે. વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપોની તપાસની માંગ કરી છે. એટલું જ નહીં વિપક્ષ તેમની સામે મહાભિયોગ લાવવાની તૈયારી પણ કરી રહ્યો છે.
કાયદો બનાવવા માટે બહુમતી મેળવવી જરૂરી છે
ભારતને આશા છે કે મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ – માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) – બહુમતી જીતશે. જો આમ થશે તો તે પક્ષ કારોબારી સત્તા પર અસરકારક કાયદાકીય દેખરેખનો ઉપયોગ કરી શકશે. માલદીવના બંધારણ હેઠળ, સંસદના તમામ નિર્ણયો અને સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલો સંસદીય બહુમતીથી પસાર થવા જોઈએ.
માલદીવથી મળતી માહિતી અનુસાર, આ લીક થયેલા રિપોર્ટ્સમાં મુઈજ્જુના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી 2018માં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનમાં અનિયમિતતાનો આરોપ છે. એવો આરોપ છે કે તેના બેંક ખાતામાંથી ઓછામાં ઓછા 10 વ્યવહારો શંકાસ્પદ હતા, આ નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિઓ, આ ગેરરીતિમાં રાજકારણીઓની સંડોવણી, ઉચાપત અને ભંડોળના સ્ત્રોતને છુપાવવા માટે કોર્પોરેટ સંસ્થાઓનો ઉપયોગ દર્શાવે છે.


