- કુવૈતમાં હિંદી રેડિયો પ્રસારણની શરૂઆત
- ભારતીય દૂતાવાસે આપી માહિતી
- કુવૈતના માહિતી મંત્રાલયની ભારતીય દૂતાવાસે કરી પ્રશંસા
કુવૈતમાં સૌ પ્રથમવાર હિંદી રેડિયો પ્રસારણની શરૂઆત થઇ છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે કુવૈતમાં ભારતીય સમુદાયનો મોટો વર્ગ છે ત્યારે હિંદીમાં રેડિયો પ્રસારણની શરૂઆત થતા ભારતીય દૂતાવાસ સહિત કુવૈતમાં રહેતા ભારતીયોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ભારતીય દૂતાવાસે કરી પ્રશંસા
ભારતીય દૂતાવાસે FM 93.3 અને AM 96.3 પર કુવૈત રેડિયો પર હિન્દી કાર્યક્રમ શરૂ કરવા માટે કુવૈતના માહિતી મંત્રાલયની પ્રશંસા કરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ટ્વિટ કરીને આપી જાણકારી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને, ભારતીય દૂતાવાસે કહ્યું, કુવૈતમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થયું છે. 21 એપ્રિલ 2024 થી દર રવિવારે (8:30 થી 9 PM) FM 93.3 અને AM 96.3 પર કુવૈત રેડિયો પર હિન્દી કાર્યક્રમ શરૂ કરવા માટે ભારતીય દૂતાવાસ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરે છે. આ પગલાથી ભારત-કુવૈત સંબંધો વધુ મજબૂત બનશે.
ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે
મહત્વનું છે કે કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. જે દેશનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કુવૈતમાં ભારતીયોને પસંદગીનો સમુદાય માનવામાં આવે છે. ઇજનેરો, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વૈજ્ઞાનિકો, સોફ્ટવેર નિષ્ણાંતો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ, ટેકનિશિયન અને નર્સો જેવા વ્યાવસાયિકો ઉપરાંત રિટેલર્સ અને બિઝનેસમેન પણ અહીં રહે છે.
ભારત-કુવૈતના કેવા છે સંબંધો ?
ભારત લાંબા સમયથી કુવૈતનું વેપારી ભાગીદાર છે. વર્ષ 2021 અને 2022માં બંને દેશોએ રાજદ્વારી સંબંધોની 60 વર્ષની ઉજવણી કરી હતી. ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકા કુવૈતના નાયબ વડાપ્રધાનને 17 એપ્રિલના રોજ મળ્યા હતા. જે દરમિયાન ભારતીય રાજદૂતે કુવૈત દ્વારા શરૂ કરાયેલા પ્રવાસી-મૈત્રીપૂર્ણ પગલાંની પણ પ્રશંસા કરી હતી. કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.


