- સિંગાપોર બાદ હોંગકોંગમાં પણ એવરેસ્ટ, એમડીએચના મસાલા પ્રતિબંધિત
- ફૂડ કમિશનરોને બંને બ્રાન્ડના દેશભરના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી સેમ્પલ લેવા આદેશ
- આ કંપનીઓના મસાલા મિશ્રણોમાં જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડનું વધુ પ્રમાણ જણાયું હતું
સિંગાપોર બાદ હવે હોંગકોંગે પણ મસાલાની ભારતીય બ્રાન્ડ્સ- એમડીએચ પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે, કેમ કે આ કંપનીઓના મસાલા મિશ્રણોમાં જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડનું વધુ પ્રમાણ જણાયું હતું. તેના પગલે ભારત સરકારે આ બંને બ્રાન્ડના મસાલાના સેમ્પલનું ટેસ્ટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. સરકારે ફૂડ કમિશનરોને બંને બ્રાન્ડના દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના સેમ્પલ કલેક્ટ કરવા આદેશ આપ્યો છે. ત્રણ-ચાર દિવસમાં તમામ પ્રોડક્શન યુનિટ્સમાંથી સેમ્પલ કલેક્ટ કરી લેવાશે. હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજિયનની સરકારના સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ (સીએફએસ) એક નિવેદનમાં જણાવ્યું છે કે રૂટિન સર્વેલન્સ પ્રોગ્રામમાં એમડીએચના ત્રણ મસાલામાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઇડ (જંતુનાશક) ઇથિલીન ઓક્સાઇડ જણાયું છે.
ઇથિલીન ઓક્સાઇડ પર પ્રતિબંધ છતાં ઉપયોગ
સિંગાપોર ફૂડ એજન્સી (એસએફએ)એ કહ્યું હતું કે સિંગાપોરના નિયમાનુસાર મસાલાના સ્ટરલાઇઝેશનમાં ઇથિલીન ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ છતાં એવરેસ્ટના ફિશકરી મસાલામાં તેનું વ્યાપક પ્રમાણ જણાયું છે, જે તેના ઉપયોગકર્તાઓ માટે સ્વાસ્થ્યનું સંભવિત જોખમ ઊભું કરે છે. મસાલાની શેલ્ફ લાઇફ વધારવા માટે ઇથિલીન ઓક્સાઇડના મર્યાદિત ઉપયોગની મંજૂરી છે પણ એવરેસ્ટના ફિશકરી મસાલામાં તે વધુ પ્રમાણમાં હોવાનું માલૂમ પડયું હતું, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે લોકોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય અને પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હોય તેમણે તત્કાળ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


