‘કાર્યક્રમ જે હોલમાં હતો તે મંદિર પરિસરમાં ન હતો’ કલેકટરે કરેલા રિપોર્ટને કોંગ્રેસે પડકાર્યો
લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડ્યા પછી પણ રાજકોટમાં ભાજપે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરના સભા હોલમાં રાજકોટ બેઠકમાં આવતી તમામ સાતેય વિધાનસભા વિસ્તારના હોદેદારો સહિતના નેતાની મિટિંગ રાખી હતી. ચૂંટણી તંત્રના સંવિધાન મુજબ આ રીતે અને આવી જગ્યાએ મિટિંગ રાખવાથી આચારસંહિતાનો ભંગ થયો કહેવાય અને ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે આચારસંહીતા ભંગના પગલાં લેવાની ફરિયાદ કોંગ્રેસે કરી હતી. આ ફરિયાદમાં કલેકટરે તો ગાંધીનગર ચૂંટણી પંચને ભાજપને ક્લીનચીટ આપનો રિપોર્ટ કરી દીધો હતો પરંતુ કોંગ્રેસે કલેકટરના આ રિપોર્ટને પડકારતા અંતે કલેકટર પ્રભવ જોષીએ સ્વામીનારાયણ મંદિર અને ભાજપ બન્નેને નોટિસ ફટકારી છે.
કલેકટરે આ ફરિયાદ સંદર્ભે રાજ્યના ચૂંટણી પંચને એવો રિપોર્ટ કર્યો છે કે, જે સ્થળે કાર્યક્રમ હતો તે હોલ છે. મંદિર પરિસર સાથે તેને કંઇ લાગે વળગે નહીં. આ રિપોર્ટને પડકારવા માટે કોંગ્રેસના આગેવાન કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણીએ આજે ગાંધીનગર ચૂંટણી પંચના ફરિયાદ વિભાગમાં ધામા નાંખ્યા છે.
કોંગ્રેસના આગેવાન કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણી બન્નેએ જે સ્થળે તા.૨૮ માર્ચના રોજ ભાજપની મિટિંગ મળી હતી એ સ્વામી નારાયણ મંદિર પરિસરમાં જ હતી. હોલ મંદિર પરિસરમાં જ આવે છે તેના અંદર અને બહારની તસવીર સાથેના પુરાવા ગાંધીનગર ચૂંટણી પંચના ફરિયાદ વિભાગમાં આપ્યા છે. આમછતા હજુ પણ જો આચારસંહિત ભંગ અંગે કોઇ કાર્યવાહી નહીં થાય તો ઉપર સુધી ફરિયાદ કરવામા આવશે તેમ જણાવ્યુ હતુ. કલેકટરે રાજ્યના ચૂંટણી પંચમાં જે રિપોર્ટ કર્યો છે તેની નકલ પણ માગવામા આવી હતી.
ભાજપને ક્લીન ચીટ આપતા આ રિપોર્ટને કોંગ્રેસે પડકાર્યા બાદ અંતે કલેકટર કમ ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ પુન: આ પ્રકરણ ખોલ્યુ છે. મંદિરમાં યોજાયેલા કાર્યક્રમ સંદર્ભે સ્વામીનારાયણ મંદિર અને ભાજપ બન્નેને નોટિસ ફટકારી છે.


