કોંગ્રેસમાં જેમને ટીકીટ આપવાની ભલામણ થઇ હતી તે વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે
ડો.હેમાંગ વસાવડાએ ટ્વીટ કરી હાઇકમાન્ડનું ધ્યાન ખેંચ્યું
સુરતમાં જે રીતે સ્ક્રીપ્ટેડ કથા મુજબ નિલેશ કુંભાણીએ ખરા ટાઇમે રોન કાઢી પોતાની ઉમેદવારીમાં ડિસ્કવોલીફાઇ થાય તેવી હરકતો કરી તેવું જ રાજકોટમાં થતા રહી ગયું. કોંગ્રેસના અગ્રણી હેમાંગ વસાવડાએ આ અંગે ટવીટ કરી આ બાબત હાઇકમાન્ડ તથા લોકોના ધ્યાનમાં મૂકી છે.
ડો.વસાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં જઈને પરત કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તથા વશરામ સાગઠીયા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી અને અમે તે કોંગ્રેસના કમિટેડ નેતા નથી તેમ કહીને વિરોધ કર્યો ત્યારે અમારી સામે શિસ્તભંગના પગલા લેવાની ચીમકી પણ અપાઈ હતી. હવે તા. 27ના સોરાણી ભાજપમાં ભળી રહ્યાની વાત બહાર આવી છે ત્યારે જો તેમને રાજકોટની ટિકીટ મળી હોત તો સુરતના કુંભાણી જેવું કાંડ રાજકોટમાં થઈ ચૂક્યું હોત તેવું સ્પષ્ટ જણાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખનો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સોરાણી ભાજપમાં ભળી રહ્યાના અહેવાલો આવ્યા છે.
દાયકાઓથી કોંગ્રેસમાં રહેલા નેતાઓએ સુરતના નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને એવી માંગણી કરી છે કે સુરતમાં આ વિશ્વાસઘાત કરનારને ટિકીટ કોંગ્રેસના જે મોટા નેતાઓએ અપાવી છે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. આવા નેતાઓને કારણે જ કોંગ્રેસમાં આવી ઘટનાઓ વારંવાર બને છે.


