જામકંડોરણામાં અમિત શાહની જાહેરસભા : ગુજરાતની તમામ બેઠક ઉપર કમળનું મોજુ ફરી વળશે
પોરબંદર બેઠકરૂપી એક કમળ દિલ્હી મોકલીને નરેન્દ્રભાઇ મોદીનો હાથ મજબૂત કરવા અમિત શાહે કરી અપિલ
લોકસભા ચુંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે અબ કી બાર ૪૦૦ કે પારના લક્ષ્યાંક સાથે આગામી સપ્તાહે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. એ પૂર્વે આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પોરબંદર બેઠકના મતવિસ્તારના ઉમેદવાર અને વર્તમાન કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણા ખાતે સભા યોજી હતી. અમિત શાહે કહ્યુ હતુ કે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દેશ જે ખાડામાં ગરકાવ થઇ ગયો હતો એ ખાડો બુરવામા જ નરેન્દ્રભાઇ મોદીના પાછલા ૧૦ વર્ષ નીકળી ગયા. હવે વિકાસના બીજ ખરા અર્થમાં રોપાઇ રહ્યા છે. આગલા પ વર્ષ વિકાસ માટે નિર્ણાયક છે. ઇવીએમ મશીન સામે જ્યારે ઉભા રહો ત્યારે નરેન્દ્રભાઇ મોદીના ચહેરાને નજર સામે રાખજો. દેશના વિકાસને નજર સામે રાખીને બટન દબાવજો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. સૌપ્રથમ જામકંડોરણામાં સભા ગજાવ્યા બાદ બપોરે ૨ વાગ્યે ભરૂચના અંકલેશ્વર-રાજપીપળા હાઇ-વે પર ખડોલી ગામે, સાંજે ૪ વાગ્યે ગોધરામાં અને સભાનું આયોજન છે. સાંજે ૬ વાગ્યે વડોદરામાં રાવપુરાથી માર્કેટ ચાર રસ્તા સુધી રોડ-શો રાખવામા આવ્યો છે. જામકંડોરણામાં પોરબંદર બેઠકના ઉમેદવાર વર્તમાન કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના સમર્થનમાં યોજાયેલી વિજય સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઉદ્યોગનગર ખાતે બનાવવામા આવેલા હેલીપેડ ખાતે આગમન થયા બાદ સભા સ્થળ સુધી ભવ્ય રોડ-શો રાખવામા આવ્યો હતો. અમિતભાઇ શાહે ગુજરાતની તમામ બેઠકો જંગી લીડથી જીતીશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ સાથે તેમણે કેન્દ્રની ૧૦ વર્ષની કામગીરીની માહીતી પણ આપી હતી. અમિત શાહે કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે ભારત વિશ્વ ગુરુ બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે.
વધુમાં અમિત શાહે કોંગ્રેસને આડા હાથે લેતા કહ્યુ હતુ કે, કેન્દ્રમાં જ્યારે સોનિયા ગાંધી અને મૌની બાબા મનમોહનસિંહની સરકાર હતી ત્યારે દેશ ભ્રષ્ટાચારથી ખરડાઇ ગયો હતો. દેશની ઇકોનોમી ખાડે ગઇ હતી. આ બધુ સુધારવામાં જ નરેન્દ્રભાઇના પાછલા ૧૦ વર્ષ નીકળી ગયા. કોંગ્રેસે કરેલો ખાડો બુરતા સાથે દેશના વિકાસનો પણ પાયો નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યો છે. કોંગ્રેસના પાપનો ખાડો માંડ દસ વર્ષે બુરાયો છે. હવે આગામી ૫ વર્ષ વિકાસનું બીજ ખરા અર્થમાં રોપાશે. દેશના વિકાસ માટે આવતા પાંચ વર્ષ નિર્ણાયક બની રહેશે અને આ વિકાસને જ નજર સામે રાખી, નરેન્દ્રભાઇ મોદીને નજર સામે રાખીને મત આપજો. પોરબંદરની બેઠકરૂપી એક કમળ નરેન્દ્રભાઇ મોદીને આપીને નરેન્દ્રભાઇનો હાથ મજબૂત બનાવવા માટેની અપિલ અમિત શાહે કરી હતી.
અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાના યોગદાનને કર્યુ યાદ, નતમસ્તક શ્રધ્ધાંજલિ આપી
જામકંડોરણા ખાતેની સભામાં ભાષણની શરૂઆતમાં જ અમિત શાહે આ વિસ્તારમાં સહકારી નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના યોગદાનને યાદ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, વિઠ્ઠલભાઇએ સમાજ માટે અને આ વિસ્તારના વિકાસ માટે પોતાની આખી જીંદગી ન્યોછાવર કરી નાખી હતી. આવી મહાનવિભૂતિને હું નતમસ્તક શ્રધ્ધાંજલિ આપુ છું. વધુમાં તેમણે કહ્યુ હતુ કે, પોરબંદર બેઠકના પ્રચાર માટે હું આવ્યો છુ ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળમાં આવ્યાનું મતે ગર્વ છે. મહાત્મા ગાંધીને પણ અમિત શાહે પ્રણામ કર્યા હતા.
ગુજરાતમાં ભાજપના જીતની બોણી સુરતથી થઇ ચુકી છે, બાકીની તમામ ૨૫ બેઠક પર કમળ ખીલવવાનો વિશ્વાસ
અમિત શાહે કહ્યુ હતુ કે, દેશના વિકાસ માટે ગુજરાતનું યોગદાન હરહંમેશ અગ્રેસર જ રહ્યુ છે. આ વખતે પણ ગુજરાતની તમામ બેઠક પર ભાજપ જીતશે એ નિશ્ચિત છે. તેની બોણી સુરતથી થઇ ચુકી છે. હવે બાકીની તમામ ૨૫ બેઠક પર પણ કમળ ખિલવવા સભાના માધ્યમથી ગુજરાતની જનતાને અમિત શાહે અનુરોધ કર્યો હતો.


