ભારતને વિશ્વગુરુ બનાવવા કમળને ખીલવુ જરૂરી હોવાનો મત
રાજકોટમાં રણજીતવિલાસ પેલેસમાં રાજવીઓની ચિંતન શિબિરમાં ભાજપને પુર્ણ બહુમતીથી જીતાડવાનો સંકલ્પ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ભાજપ વિરુધ્ધ ક્ષત્રિય સમાજની નારાજગી એક બવંડર બનીને ઘેરાવો લઇ ચુકી છે. ચૂંટણીમાં ભાજપને ચોક્કસપણે ડેમેજ કરે તેવી સ્થિતિને થાળે પાડવા માટે પાર્ટીના હાઇકમાન્ડ દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સાથે વાટાઘાટનો દોર ચાલુ છે. એ દરમિયાન આજે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ સમગ્ર ગુજરાતના રાજવીઓ સાથે મા આશાપુરાના સાનિધ્યમાં રણજીતવિલાસ પેલેસ ખાતે ચિંતન શિબર રાખી હતી. ૪૫ જેટલા રાજવીઓ આ શિબીરમાં હાજર રહ્યા હતા અને સર્વાનુમતે એવુ આહવાન કરવામા આવ્યુ હતુ કે, ગુજરાતની તમામ સીટ પર ભાજપનું કમળ ખીલવવામા આવશે. રાજવીઓએ તમામ ક્ષત્રિય સમાજ જોગ એવો સંદેશો પણ આપ્યો છે કે, ભાજપને અપાતો મત સનાતમ ધર્મને, સનાતન સંસ્કૃતિને, વસુદેવ કુટુમ્બકમને, ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો હશે.
રાજકોટ સહિત રાજકોટ રાજ પરિવારના આંગણે પધારેલાં ૪૫થી પણ વધારે રાજવીઓ અને ભાયાતોનાં આગમનને અંતરનાં ઉમળકાથી આવકારતાં માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં આપણને પ્રથમ દ્રષ્ટીએ જ અજોડતા, અનુપમતા અને નિખાલસતાનું દર્શન થાય. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષકનો ચહેરો જોવા મળે છે. ૨૦૨૪ની વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, ભારત દેશ અને આપણી ભાવી પેઢીનાં સ્થિર, સુરક્ષિત તેમજ ઉજ્જવળ ભવિષ્યના સુર્યોદય માટેની ચૂંટણી છે. ત્યારે આપણાં આર્ષદ્રષ્ટા પૂર્વજોની એક શિખામણ સ્મૃતિમાં અંકૂરિત થાય છે. આપણાં પૂર્વજો કહેતાં કે, જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગી હોય ત્યારે આપણે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે જેટલી ઝડપથી જેટલાં પૂળાંને સળગતા બચાવી શકાય તેટલાં બચાવી લઇએ તો તે દીર્ઘદ્રષ્ટીયુક્ત અને શાણપણ ભર્યો યોગ્ય નિર્ણય કહેવાય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ 145 કરોડ દેશવાસીઓની સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે પ્રતિદિન લગાતાર 16 થી 18 કલાક સુધી કાર્યરત રહીને “વસુધૈવ કુટુંબકમ” ની વૈદિક વિભાવનાને અનુસરીને નૂત્તન ભારતના નિર્માણ અર્થે સહુનો સાથ-સહુનો વિકાસ અને સહુનો સંગાથ-સહુનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી રહ્યા છે ત્યારે આપણે સહુ ભારતવાસીઓનું નૈતિક કર્તવ્ય બને છે કે સને. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આપણે સહુ સાથે મળીને પ્રચંડ મતદાન કરીને પુન: એક વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દેશભરમાંથી દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેંટ અર્પણ કરીએ અને એક પૂર્ણ બહુમતિ સાથેની સરકારનું સુકાન તેમને સોંપીએ.
ચિંતન શિબિરમાં પ્રિતિ દેવી – કચ્છ, મહારાજા રાઓલ વિજયરાજસિંહ – ભાવનગર, કેશરીસિંહ – વાંકાનેર, હિમાંશુસિંહ – ગોંડલ, તુષાર સિંહ – દેવગઢ બારીયા, નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી – બાલાસીનોર, રિધ્ધીરાજસિંહ – દાંતા, જયપ્રતાપસિંહ – છોટા ઉદેપુર, કેતનસિંહ – પાલીતાણા, ધૃવસિંહ – સાણંદ, સત્યજીત કુમાર – જસદણ, રાઉ હરેન્દ્રપાલસિંહ – પોશીના, દેવેન્દ્રસિંહ – વિરપુર, રાઘવેન્દ્રસિંહ – વલ્લભીપુર, કૃતાર્થસિંહ – દેવપુર, મયૂરધ્વજસિંહ – તેરા, અમર કુમારસિંહ – પાળ, અશોકસિંહ – ગૌરીદડ, રાજવિજયસિંહ – રાજપરા, અજય વાળા – અમર નગર, રાજસિંહ વાળા – ઢાંક, યશવંત કુમારસિંહ – બાબરા, દરબાર જયવિરસિંહ – ચોટીલા, શેહરયાર ખાન – બજાણા, જયદીપસિંહ – કોઠારીયા, યશવંતસિંહ – મેંગણી, ઇન્દ્રજીતસિંહ – નલીયા, દિલીપસિંહ – દીયોદર, ધૃવકુમારસિંહ – ધૃવનગર, સમીર વાળા – જેતપુર, મહાવીરસિંહ – ચોટીલા, વિજયસિંહ – બિલખા, ભાનુપ્રતાપ સિંહ – બિલખા, પૃથ્વીસિંહ – બિલખા, ચંદ્રજીતસિંહ – શાપર, સૂર્યવિરસિંહ – શાપર, અભિજીતસિંહ – ઢાંક, ધર્મરાજસિંહ – માખાવડ, અજયરાજસિંહ – કાનપુર, મહેશચંદ્ર સિંહ – ગણોદ, ભવાનીસિંહ – બિલખા, ભગીરથસિંહ – બિલખા, ભયલુભાઇ – પાળીયાદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામ રાજવીઓએ “રાષ્ટ્ર પ્રથમ” એ દિશામાં ગહનતા પૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. ભારતીય સંસ્કાર વારસાના જતન હેતુ સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકારનું ગઠન કરાવવાની દિશામાં રાજવીઓ સંકલ્પબદ્ધ થયાં હતાં.


