- ASI સાગર પ્રધાન આખરે ACBમાં હાજર થયો
- ASI વતી તેનો ભાઈ 5 લાખની લાંચ લેતા ઝડપાયો હતો
- ડોકયુમેન્ટ પરત આપવા 15 લાખની માંગણી કરાઈ હતી
કરોડોની છેતરપિંડીમાં ઝડપાયેલા વેપારીના ભાગીદારને છોડવા અને તેમની ઓફિસનો સામાન, ડાયમંડ પરત કરવા માંગેલા રૂ.15 લાખના લાંચ કેસમાં ઈકો સેલના એએસઆઈએ એસીબીમાં સરેન્ડર કરતા એસીબીએ તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.ઉલ્લેખનીય છે કે રૂ.15 લાખ પૈકીના રૂ.5 લાખ લેતા એએસઆઈના ભાઈને એસીબીએ 10 દિવસ પેહલા કતારગામ અલકાપુરી સર્કલ બ્રિજ વિસ્તારમાંથી ઝડપી લેતા એએસઆઈ ફરાર થઈ ગયો હતો.
શું હતો સમગ્ર કેસ
ઈકો સેલે બે અઠવાડીયા અગાઉ કરોડોની છેતરપિંડીમાં કતારગામના વેપારીની ધરપકડ કરી હતી ત્યારે તેના ભાગીદારને પણ લાવી હતી અને તેને છોડવા અને તેમની ઓફિસનો સામાન, ડાયમંડ પરત કરવા ઈકો સેલના એએસઆઈ સાગર સંજયભાઇ પ્રધાને રૂ.15 લાખની લાંચ માંગી હતી.રૂ.15 લાખમાંથી રૂ.5 લાખ આપવા ગત 23 એપ્રિલના રોજ એએસઆઈ સાગર પ્રધાને ભાગીદારને કહ્યું હતું.જોકે, ભાગીદારે આ અંગે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક અને નવસારી એસીબીના સ્ટાફે છટકું ગોઠવી કતારગામ અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફુટ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે એએસઆઈ સાગર પ્રધાનના કહેવાથી તેના ભાઈ ઉત્સવે ભાગીદાર પાસેથી લાંચની રકમ રૂ.5 લાખ સ્વીકારી તે સાથે જ એસીબી ત્રાટકી હતી અને તેને ઝડપી લીધો હતો.
સાગર પ્રધાન હતો ફરાર
એસીબીના છટકાની જાણ થતા એએસઆઈ સાગર પ્રધાન ફરાર થઈ ગયો હતો.એસીબીએ આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાન, છેલ્લા 10 દિવસથી ફરાર એએસઆઈ સાગર પ્રધાને ગતસાંજે એસીબીમાં સરેન્ડર કરતા એસીબીએ તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.હવે એસીબી એએસઆઈ સાગર પ્રધાનની પૂછપરછના આધારે આટલી મોટી રકમની લાંચમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ કરશે.


