- ઈઝરાયલના પીએમના વલણને લઈ યુદ્ધવિરામ પર પૂર્ણવિરામ મૂકાયું
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ યથાવત્
- અમેરિકા, કતાર, બ્રિટન સહિતના દેશોએ ઈઝરાયલ પર યુદ્ધવિરામ પર દબાણ કર્યું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા છેલ્લા સાત મહિનાથી યુદ્ધ પર ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કરી દીધું છે કે ગાઝામાં યુદ્ધ સમાપ્ત નહિ થાય અને ગાઝામાં હમાસને સત્તામાં રાખવાની શરતો ઈઝરાયલ કદી નહિ માને. નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે ઈઝરાયલના ભવિષ્ય માટે હમાસની સૈન્ય ક્ષમતાને સમાપ્ત કરવી જરૂરી છે. ઈઝરાયેલ 7 ઓક્ટોબર, 2023ના રોજ લેવાયેલા ઠરાવથી પીછેહઠ કરશે નહીં. દરમિયાન ઈઝરાયેલે વિદેશની એક ખાનગી મીડિયાની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને જેરુસલેમમાં તેની ઓફિસની શોધખોળ કરી હતી. ગાઝા યુદ્ધના ખોટા રિપોર્ટિંગ માટે ખાનગી સમાચાર સંસ્થાનને ઠેરવી હતી.
ઈઝરાયલના બંધકોની મુક્તિ માટે કામચલાઉ યુદ્ધવિરામ માટે તૈયાર
નેતન્યાહૂએ કહ્યું કે બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ ગાઝામાં અસ્થાયી યુદ્ધવિરામ માટે તૈયાર છે. બદલામાં તે પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. ઈઝરાયેલ પાસેથી વધુ કંઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેણે અંદાજ લગાવ્યો હતો કે ઈઝરાયેલના બંધકોની સંખ્યા 130થી વધુ છે.
કાયમી યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર-હમાસ
ઈઝરાયેલના વડાપ્રધાનના નિવેદન બાદ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાએ કહ્યું કે, તેમનું સંગઠન ગાઝામાં કાયમી યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર છે. આ પછી, પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવશે. હાનિયાએ નેતન્યાહૂ પર ગાઝા પર હુમલા ચાલુ રાખવા અને લડાઈનો વિસ્તાર વધારવાનો આરોપ લગાવ્યો.
ઈઝરાયેલના હુમલામાં 35 હજાર પેલેસ્ટાઈનના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરથી ચાલી રહેલા ઈઝરાયેલ હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ 35 હજાર પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે. જો બંધકોને મુક્ત કરવાની વાટાઘાટો સફળ ન થાય, તો ઇઝરાયેલ 1.4 મિલિયન બેઘર લોકોના ઘર રફાહ પર જમીની કાર્યવાહી કરવા તૈયાર છે. આ સૈન્ય કાર્યવાહીમાં ભારે રક્તપાત થવાની આશંકા છે.
હમાસના હુમલા બાદ ગાઝામાં રાહત સામગ્રીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે
હમાસે રવિવારે કેરેમ શાલોમ ક્રોસિંગ પર રોકેટ હુમલો કર્યો. આ હુમલામાં રફાહથી 10 રોકેટ છોડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયલથી ગાઝા જઈ રહેલા ઈઝરાયલી સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, તેમાં થયેલા નુકસાનની માહિતી મળી નથી. ઈઝરાયેલે હવે આ માર્ગ દ્વારા ગાઝામાં રાહત સામગ્રીનો સપ્લાય બંધ કરી દીધો છે.


