- સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અવકાશની સફરે
- નવા અંતરિક્ષ યાન બોઇંગ સ્ટારલાઇનરમાં થશે સવાર
- 7મેના રોજ સવારે અમેરિકાથી તેઓ ઉડાન ભરશે
ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી કેપ્ટન સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષની ઉડાન ભરશે, આ વખતે તેઓ નવા અંતરિક્ષ યાન બોઇંગ સ્ટારલાઇનર પર સવાર થઇને અંતરિક્ષમાં જશે. 7મેના રોજ સવારે અમેરિકાના કૈનેડી સ્પેસ સેન્ટરથી તેઓ ઉડાન ભરશે ત્યારે આવો જાણીએ આ અંગે સુનિતા વિલિયમ્સ શું કહે છે.
કેટલા દિવસ રહેશે અંતરિક્ષમાં ?
સ્ટારલાઈનર સ્પેસશીપને રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવશે. આ સ્પેસશીપ પૃથ્વીથી 400 કિમી ઉપર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલ હશે. આ મિશન માટે સુનિતા વિલિયમ્સ ઉપરાંત વરિષ્ઠ વૈજ્ઞાનિક બૂચ વિલ્મોરને પસંદ કરવામાં આવ્યા છે. બંને અવકાશયાત્રીઓ બે સપ્તાહ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે. અવકાશયાન સોમવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 10:34 વાગ્યે ઉપડશે એટલે કે ભારતમાં મંગળવારે 8:04 વાગ્યા હશે.
થોડી નર્વસ છું પણ ..
અવકાશમાં સમોસા ખાવાનું પસંદ કરતી વિલિયમ્સ આ સફરને લઇને કહે છે કે તે થોડી નર્વસ છે, પરંતુ તેને નવા અવકાશયાનમાં ઉડવાની કોઈ ચિંતા નથી. સુનિતા વિલિયમ્સે લોન્ચ પેડ પર તાલીમ દરમિયાન કહ્યું કે જ્યારે હું ઇન્ટરનેશનલ અવકાશ સ્ટેશન પર પહોંચીશ તો જાણે ઘર વાપસી થઇ હોય તેવું લાગશે.
322 દિવસ વિતાવી ચૂક્યા છે અંતરિક્ષમાં
વિલિયમ્સ નેવી પાયલટ છે. આ પહેલા તેણે 2006 અને 2012માં અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. નાસાના ડેટા અનુસાર સુનીતાએ કુલ 322 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે. એક સમયે તેણીએ મહિલા અવકાશયાત્રી તરીકે સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે સ્પેસવોકમાં 50 કલાક અને 40 મિનિટ વિતાવીને પેગી વ્હીટસને પાછળ છોડી દીધો. મહત્વનું છે કે બોઇંગ અનુસાર ક્રૂ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન (CST)-100 સ્ટારલાઇનર અવકાશયાન સાત મુસાફરો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં ક્રૂ મેમ્બરો સહિત સામાન પણ લઇ જઇ શકાય છે. તેને બનાવવામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. મહત્વનું છે કે સુનિતા વિલિયમ્સ 2006 અને 2012માં અવકાશમાં ઉડાન ભરી ચૂક્યા છે.


