- VHP અને બજરંગદળના કાર્યકરોએ પોલીસને કરી અરજી
- લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ
- મજૂરી કરતા લોકોને ભોજન અને પ્રવચન આપતા હતા
ગાંધીનગરના સેકટર – 5 વિસ્તારમાં રહેતાં દાહોદના 15 હિન્દુઓએ ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કર્યાના દાવા સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગઈકાલે રાત્રે સેકટર – 7 પોલીસ સ્ટેશનમાં જય શ્રી રામના નારા લગાવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે સમગ્ર મામલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ હિન્દુ સંગઠનનાં દાવાને નકારી દઈ કહ્યું કે, પોલીસે તપાસ કરતાં હિન્દુ પરિવારો ક્રિશ્ચિયન ધર્મની પ્રાર્થના કરતા હતા. હાલના તબક્કે ધર્મ પરિવર્તનનો કોઈ મામલો સામે આવ્યો નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બજરંગ દળે કરી અરજી
મજૂરી કામ કરી પેટીયુ રળતાં દાહોદના વનવાસી 15 જેટલા હિન્દુ લોકોએ ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કર્યો હોવાની વાતે ગઈકાલે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સેકટર – 5 ના કોમર્શિયલ કોમ્પલેક્ષના ભોંયરામાં શાલોમ પ્રાર્થના સભા સેન્ટરમાં ધર્મ શ્રમજીવી પરિવારોને લાલચ આપી ફોસલાવીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાની જાણ થતાં ઉક્ત બંને હિન્દુ સંગઠનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.જ્યાં હિન્દુ શ્રમજીવી પરિવારો પ્રાર્થના સેન્ટરમાં ક્રિશ્ચિયન ધર્મની પ્રાર્થના સભામાં હાજર મળી આવ્યા હતા. જેનાં પગલે હિન્દુ સંગઠનોએ જય શ્રીરામનાં નારા લગાવી શ્રમજીવી લોકોને સેકટર – 7 મથકે લઈ જવાયા હતા. અહીં પણ હિન્દુ સંગઠનોએ જય શ્રીરામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેનાં પગલે પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.
યોગ્ય કાર્યવાહીની ઉઠી માંગ
આ અંગે બજરંગ દળના સંયોજક શક્તિસિંહ ઝાલાએ કહ્યું કે, સેક્ટર-5 ના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભોયરામાં દાહોદ જિલ્લાના 15 જેટલા હિન્દુ વનવાસી ભાઈઓને લાલચ આપી ફોસલાવીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા મજબૂર કરવામાં આવતાં હતાં. જે અન્વયે વિશ્વ હિન્દુ પરિષદનાં સુનીલ ત્રિવેદી અને બજરંગ દળ દ્વારા ધર્મ પરિવર્તન કરતા લોકોને પકડી પોલીસને સોંપી ધર્મ પરિવર્તન કરાવતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
શું કહ્યું ગાંધીનગર એસપીએ
ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન કરાયા મામલે હિન્દુ સંગઠન દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતાં ક્રિશ્ચિયન ધર્મ દ્વારા પ્રાર્થના સભા સેન્ટરમાં ચલાવવામાં આવે છે. હિન્દુ લોકો અહીં પ્રાર્થના કરતા હતા. ધર્મ પરિવર્તનનો કોઈ મામલો પોલીસ તપાસમાં સામે આવ્યો નથી. કોઈપણ ધર્મના લોકો કોઈપણ ધર્મની પ્રાર્થના કરી શકે છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.


