- સવારના 7થી સાંજના 6 સુધીના મતદાનમાં સવારે 9થી 11ના સમયગાળામાં સૌથી વધુ મતદાન થયું
- દર વખતે અંતિમ બે કલાકમાં વધુ મતદાનની પેટર્ન વર્ષ 2024ના ચૂંટણી જંગમાં બદલાઈ
- જિલ્લામાં ગરમીની અસરને લીધે સવારમાં જ મતદાન કરી દેવા લોકોને અપીલ કરાઈ હતી
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7મી મેને મંગળવારે સવારે 7થી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાયુ હતુ. ત્યારે મતદાનના સમય પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન સવારે 9થી 11ના સમયમાં થયુ છે. સવારે 9થી 11ના સમયગાળામાં થયેલ 13.14 ટકા મતદારો હાર-જીતનો ફેંસલો કરવામાં મહત્વનો ભાગ ભજવશે, તેમ હાલ લાગી રહ્યુ છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મંગળવારે તા. 7મી મેના રોજ મતદાન યોજાયુ હતુ. સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાયેલા આ મતદાનમાં જિલ્લાના 20,33,419 મતદારોમાંથી 11,20,128 મતદારોએ મતદાન કરતા જિલ્લામાં કુલ 55.09 ટકા મતદાન થયુ છે. ત્યારે મતદાનના દર 2 કલાકના અંતરે થયેલ મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો રોચક માહિતી બહાર આવી છે. જિલ્લામાં ગરમીની અસરને લીધે સવારમાં જ મતદાન કરી દેવા લોકોને અપીલ કરાઈ હતી. પરંતુ શરૂઆતના 7થી 9ના સમયમાં 9.43 ટકા જેટલુ ધીમુ મતદાન થયુ હતુ. પરંતુ ત્યારબાદ મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકોએ જોવા મળતા હતા. અને સવારના 9થી 11ના સમયમાં લોકસભા બેઠક પર એવરેજ 13.34 ટકા મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. જયારે 11થી 1ના સમયમાં 10.62 ટકા, બપોરે 1થી 3ના સમયમાં 7.54 ટકા અને બપોરે 3થી પના સમયમાં 8.26 ટકા મતદારોએ પોતાના મતનું દાન કર્યુ હતુ. જયારે અંતીમ કલાક 5થી 6 દરમિયાન 5.90 ટકા મતદાન થયુ હતુ. મતદાનમાં બપોરે ગરમીની અસર જોવા મળી હતી. અને બપોરના 1થી પના સમય દરમિયાન મોટાભાગના મતદાન મથકો પર મતદાનની ગતિ મંદ પડી હતી. ઝાલાવાડની ચૂંટણીઓમાં મતદાનના છેલ્લા 2 કલાકમાં ભારે મતદાન થવાની પ્રણાલી રહેલી છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે મતદારોએ આ ટ્રેન્ડ બદલ્યો હોય તેમ અંતીમ 3 કલાકમાં 14.16 ટકા મતદાન થયુ હતુ. દર વખતે અંતીમ 2 કલાકમાં મોટાભાગના મતદાન મથકોમાં સાંજે 6-00 કલાકે મતદાન મથકમાં લાંબી લાઈનો હોય છે અને ગેટ બંધ કરી લાઈનમાં ઉભેલા આ મતદારોને મતદાન કરવા દેવામાં આવે છે. પરંતુ આ વખતે જિલ્લાના અમુક જ મતદાન મથકોમાં આવી સ્થિતિ જોવા મળતી હતી. મોટાભાગના મતદાન મથકોમાં સાંજે 6 કલાકે એકલ-દોકલ મતદારો અને માત્ર ચૂંટણી વિભાગનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્તનો સ્ટાફ નજરે પડતો હતો. ત્યારે સવારના 9થી 11 કલાકના સમયમાં થયેલ સૌથી વધુ 13.34 ટકા મતદાન એ ઉમેદવારોની હારજીતમાં મહત્વનો ભાગ ભજવશે, તેમ હાલ લાગી રહ્યુ છે. સવારે 9થી 11માં મતદારોએ કોના તરફી કેટલુ મતદાન કર્યુ તેનો ખ્યાલ આગામી તા. 4થી જુને મતગણતરી સમયે આવી જશે.


