- પાકિસ્તાનમાં આવેલા ગ્વાદર બંદરે આવાસ પર આતંકવાદીઓનો અંધાધૂંધ ગોળીબાર
- એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં વર્ષ-2023માં 789 આતંકી હુમલા થયા હતા
- પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદી ઘટના કોઈ મોટી વાત નથી પરંતુ ગત રોજ પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર બલૂચિસ્તાનમાં આવેલા ગ્વાદર પોર્ટ પર ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. જેમાં સાત મજૂરોનાં મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. આ હુમલાને લઈ સ્થાનિક પોલીસ, પાકિસ્તાન રેન્જર્સ સહિતની એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી વળતી કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લે આઠ હથિયારધારી આતંકવાદીઓને ભારે જહેમત બાદ ઠાર કરી દેવાયા હતા. જે બાદ સમગ્ર વિસ્તારમાં શાંતિ ફેલાઈ હતી.
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડિઝ દ્વારા જાહેર કરાયેલા એક વાર્ષિક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં વર્ષ-2023માં 789 આતંકવાદી હુમલા થયા હતા. આ હુમલામાં 1524 લોકોનાં મોત થયા અને 1463 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગત છ વર્ષમાં સૌથી મોટો સ્કોર છે.
ગ્વાદર બંદરે આઠ હથિયારધારી આતંકી ઘુસ્યા
આની પહેલા 20 માર્ચે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા ગ્વાદર પોર્ટ પર આતંકવાદી હુમલાની ઘટના સામે આવી હતી. ગ્વાદર પોર્ટના કોમ્પલેક્સમાં આઠ હથિયારધારી આતંકવાદી બળજબરીથી ઘુસી ગયા હતા. ત્યારબાદ તેઓના દ્વારા ઘટનાસ્થળે ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આખરે તમામ આતંકવાદી ઠાર મરાયા
પાકિસ્તાનમાં આવેલા મકરાણ ડિવિઝનના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુલો પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરાયો છે. હુમલામાં કોઈ સ્થાનિક ઈજાગ્રસ્ત થયાનું સામે નથી આવ્યું. સાક્ષીઓનું કહેવું હતું કે આશરે આઠ હથિયારધારી લોકો ગ્વાદર બંદરમાં બળજબરીથી ઘુસી આવ્યા હતા. ત્યારબાદ આ કોમ્પલેક્સમાં પાકિસ્તાન ચૂંટણી પંચ સહિતની ઘણી સરકારી કચેરીઓ આવેલી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પહેલા ગોળીબાર અને બાદમાં બોમ્બ વિસ્ફોટ થયાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર કાર્યવાહીમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આઠ હુમલાખોરને ઠાર કરાયા હતા. જ્યારે ગ્વાદર બંદરના સિનિયર પોલીસ એસપીએ મીડિયાને જણાવ્યું કે વળતી કાર્યવાહીના ભાગરૂપે આઠ હુમલાખોરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ ગોળીબાર બંધ થયો હતો.


