કામ શરૂ કરવાની તારીખ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાશે : ૪૪ વર્ષ જૂના પુલને નવેસરથી બનાવાશે
જામનગર રોડ પર આવેલા ૪૪ વર્ષ જૂના સાંઢીયા પુલના નવનિર્માણની કવાયત છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. આ પુલને તોડીને નવો બ્રીજ બનાવવામાં આવશે. હાલ બ્રીજને તોડવા માટે રેલવે પાસે મંજૂરીની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત બાબતે રેલવેની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. મંજૂરી મળ્યાના પખવાડીયા બાદ સાંઢીયા પુલ તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નવા બ્રીજની કામગીરી શરૂ કરવાની તારીખ આગામી દિવસોમાં મનપા દ્વારા જાહેર કરવામાં આવશે.
બ્રીજને તોડી પાડવા અંગે મનપાના ઈન્ચાર્જ સિટી ઈજનેરે જણાવ્યું કે બ્રિજનો સેન્ટ્રલ સ્પાન જે રેલવે લાઈન ઉપર છે તેની ૧૨.૫૦ મીટર લંબાઈ, ૧૦.૫૦ મીટર પહોળાઈ છે અને તે ૨૦ સેન્ટીમીટર એટલે કે આશરે ૮ ઈંચની જાડાઈ ધરાવે છે. આ સ્લેબના સમાન ૩૨ ટુકડા કરવામાં આવશે અને એક એક ટુકડા ડાયમન્ડ કટરથી કાપવામાં આવશે અને તેને ૧૦૦-૧૦૦ ટન વજનની બે હાઈડ્રોલિક ક્રેઈનની મદદથી નીચે લાવવામાં આવશે. એટલે કે નીચે ઘા કરવામાં નહીં આવે. કોઈ માંચડાની જેમ ડિમોલીશન કરી શકાતો નથી પરંતુ, સાવચેતીપૂર્વક તેને ધરાશાયી કરાય છે.
આ માટે એક હાઈડ્રોલિક ક્રેઈન સ્ટેન્ડબાય રખાશે તેમજ સ્થળ ઉપર વુડન બોક્સ, વેલ્ડીંગ મશીન, ગેસ કટર, ઓક્સીજનના બાટલા, જનરેટર સેટ્સ વગેરે તૈનાત રાખવામાં આવશે. બ્રિજ ઉપર જેમ ગડર ચડાવવામાં આવે છે તેમ અહીં નીચે ઉતારવામાં આવશે જેને ડિલોન્ચીંગ કહે છે.
આ બ્રિજ તોડીને તેની જગ્યાએ નવો બ્રિજ ૩૯ મીટર લંબાઈનો અને ૧૯.૪૦ મીટર પહોળાઈનો એટલે કે ફોરટ્રેક બનશે જે માટે કામને અગાઉ મંજુરી અપાઈ ગઈ છે. છે અને ખાતમુહુર્ત પણ ચૂંટણી પહેલા થઈ ગયું છે. જો કે કામ હજુ શરુ નથી થયું. જૂનો સાંઢિયા પૂલ સ્ટેટ હાઈવેના તંત્ર બનાવાયો હતો અને તે સમયે તેનું બાંધકામ અન્કોસ્ડ રબ્બર મેશનરી અને આર.સી.સી.નું સંયુક્ત રીતે કરાયું હતું. દરમિયાન બ્રિજના વૈકલ્પિક માર્ગ માટે ભોમેશ્વર મંદિર પાસેથી રસ્તાનું કામ પૂર્ણતાના આરે છે એ ટૂંક સમયમાં ત્યાં ડામરકામ થઈ ગયા બાદ ચાલુ કરી શકાશે તેમ જણાવાયુ છે.


