- ભારત સાથે રાજદ્વારી સ્તરે વિવાદો ઉકેલવા સત્તાવાર રીતે રાજદૂત નિમ્યા
- LAC પર તંગદિલી હળવી કરવાનું ચીનને હવે મહત્ત્વ સમજાયું, તંગદિલી હળવી કરવી પડશે
- સીમા વિવાદ ઉકેલવા સૈન્ય સ્તરે કમાન્ડર કક્ષાની 19 બેઠકો યોજવામાં આવી
ભારત સાથે લદાખ અને અરુણાચલપ્રદેશનો સીમા વિવાદ ઉકેલવા ઠાગાઠૈયા કરી રહેલા ચીનને આખરે ભારતની મક્કમતા સામે ઝૂકવું પડયું છે. જ્યારે જ્યારે સીમા વિવાદ ઉકેલવા મંત્રણાઓનો દોર યોજાય ત્યારે ચીન દ્વારા એક તરફ દોસ્તીનો હાથ લંબાવવાનો દેખાવ કરવામાં આવતો હતો અને બીજી તરફ કાચિંડાની જેમ રંગ બદલીને લદાખ તેમજ અરુણાચલ પર પોતાની માલિકીનો દાવો કરવામાં આવતો હતો. ભારત દ્વારા વારંવાર ચીનને તેની સેના ખસેડીને અગાઉનાં પોઇન્ટ પર લઈ જવા આગ્રહ કરવામાં આવ્યો હતો. ભારતનાં તંગદિલી હળવી કરવાનાં પ્રયાસો પર ચીન ધ્યાન આપતું ન હતું. સીમા વિવાદ ઉકેલવા સૈન્ય સ્તરે કમાન્ડર કક્ષાની 19 બેઠકો યોજવામાં આવી હતી જે પરિણામ શૂન્ય રહી હતી.
ચીનની સાન આખરે ઠેકાણે આવી
ભારત દ્વારા ચીનને વારંવાર સાફ સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી બંને દેશ વચ્ચે સંબંધો સાધારણ નહીં થાય ત્યાં સુધી સીમા વિવાદ ઉકેલાશે નહીં.
18 મહિના પછી ભારતમાં ચીનનાં રાજદૂત
ચીને 18 મહિના વાંકા ચાલ્યા પછી ભારતમાં તેનાં નવા રાજદૂત શૂ ફેંઈહોંગની નિયુક્તિ કરી છે. જેમણે દિલ્હીમાં તેમનો કાર્યકાળ સંભાળ્યો છે. ભારતમાં ચીનનાં રાજદૂતની જગ્યા 18 મહિનાથી ખાલી હતી જે છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ અંતરાલ સુધી ખાલી રહી છે. શૂએ કાર્યકાળ સંભાળ્યા પછી કહ્યું હતું કે, ચીન ભારત સાથે એકબીજાની ચિંતાઓ સમજવા અને પ્રશ્નો ઉકેલવા વાતચીત દ્વારા પરસ્પર સ્વીકાર્ય સમાધાન શોધવા ભારત સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. પૂર્વ લદાખમાં જ્યારે બંને દેશનાં સૈનિકો આમને સામને પોઝિશન લઈને ઊભા છે ત્યારે તેમણે આ વાત કહી છે.


