100થી વધુ યાત્રિકો અટવાયા: મુંબઈથી કનેક્ટિ ફ્લાઇટ છૂટી જતા રોષ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી રહી છે અને કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. ગુજરાત ઉપરાંત મુંબઈમાં ભારે પવનના કારણે અનેક ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે, તો અનેક ફ્લાઈટ રદ પણ કરવામાં આવી છે. એવામાં રાજકોટથી મુંબઈ જતી ફ્લાઈટને રદ્દ કરવામાં આવતા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.હકીકતમાં રાજકોટથી મુંબઈ જવા માટે 100 જેટલા મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા.
આ મુસાફરોને અઢી કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતુ. જેના પગલે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
આ દરમિયાન મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ સાથે રકઝક થઈ હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મુસાફરો એરપોર્ટ સ્ટાફ પર પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. બીજી તરફ સ્ટાફ સતત ટેક્નિકલ ખામીના કારણે ઈન્ડિગોની ફ્લાઈટ રદ્દ થઈ હોવાનું રટણ કરી રહ્યો છે. આમ અચાનક ફ્લાઈટ રદ્દ થવાથી કેટલાક મુસાફરોને મુંબઈથી બુક કરેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ છૂટી જશે.


