- પીઓકેમાં સ્થિતિ બની છે તંગ
- વીજળી,લોટ સહિતનો સામાન ખૂબ મોંઘો
- ભાવ વધારાનો કરી રહ્યા છે વિરોધ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ તંગ જોવા મળી રહી છે. વીજળી અને લોટ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારાને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ અંગે વિદેશ મંત્રી જયશંકરે શું પ્રતિક્રિયા આપી છે તે જાણીએ
શું કહ્યું વિદેશ મંત્રીએ ?
કોલકાતામાં એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે આજે પીઓકેમાં અશાંતિમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનું વિશ્લેષણ કરવું જટિલ છે પરંતુ મને ચોક્કસપણે એ વાતમાં કોઈ શંકા નથી કે PoKમાં રહેનાર કોઈપણ વ્યક્તિ તેમના જીવનની તુલના જમ્મુ અને કાશ્મીરમાં રહેતા લોકો સાથે કરશે. તેઓએ જોયું હશે કે જમ્મુ-કાશ્મીરના લોકો પ્રગતિ કરી રહ્યા છે. તેઓ અનુભવી રહ્યા હશે કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
PoK હંમેશાથી ભારતનું અભિન્ન અંગ- એસ.જયશંકર
વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યું કે PoK હંમેશાથી ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને રહેશે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ન હતી ત્યાં સુધી પીઓકે વિશે બહુ ચર્ચા થઈ ન હતી. તેમણે કહ્યું કે 1990ના દાયકામાં પશ્ચિમી દેશોએ અમારા પર દબાણ બનાવ્યું, ત્યારબાદ સંસદે સર્વસંમતિથી પીઓકેને લઈને એક પ્રસ્તાવ પસાર કર્યો. કલમ 370ને લઇને કહ્યું કે આ એક અસ્થાયી જોગવાઈ છે અને તેને આટલા લાંબા સમય સુધી અમલમાં રાખવી જોઈતી ન હતી. આ એક તરફથી અલગતાવાદ, હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હતું.
PoKમાં શા માટે થઈ રહ્યા છે પ્રદર્શન?
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી PoKમાં સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને વકીલો દ્વારા રચાયેલી સંયુક્ત અવામી એક્શન કમિટીએ આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ટેક્સમાં વધારા સામે રાજધાની મુઝફ્ફરાબાદ સુધી કૂચ કરી હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે ભીડમાંથી કોઈએ પોલીસ એસ.આઈ અદનાન કુરેશીની ગોળી મારીને હત્યા કરી હતી. મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જેમાં બે પ્રદર્શનકારીઓ અને એક એસઆઈનો સમાવેશ થાય છે. આ અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
વીજળી અને લોટ માટે સબસિડીની માંગ
વીજળી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારા બાદ આ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ વિરોધોને ધ્યાનમાં રાખીને, શાહબાઝ શરીફ સરકારે તાત્કાલિક અસરથી PoK માટે 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. શાહબાઝ શરીફ સાથેની બેઠક પૂરી થયા બાદ તરત જ પીઓકેના વડાપ્રધાન હકે વીજળીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હકે કહ્યું કે સ્થાનિક રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી સસ્તી વીજળી અને લોટ પર સબસિડીની માંગ કરી રહ્યા છે.


