મરણમૂડી સમાન રકમ ગુમાવતા પ્રૌઢ કફોડી સ્થિતિમાં મૂકાયા
રૈયાધાર નજીકના રાણીમાં રૂડીમાં ચોક આગળ રહેતા અને પંચરની દુકાન ધરાવતા પ્રૌઢને ઊંચા વળતરની લાલચ આપી રૂ.૧ લાખની છેતરપીંડી કરનાર ફાયનાન્સ પેઢીના સંચાલક સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર પાસેના રાણીમા રૂડીમા ચોકથી આગળ ૧૨ માળીયા ક્વાર્ટરમાં રહેતા – અને પંક્ચરની દુકાન ધરાવતા રમેશભાઈ ભીખાભાઈ ખેતરીયાએ સાથે ઉંચું વળતર – આપવાની લાલચ આપી ગજકેસરી ફાયનાન્સના જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાએ રૂા.૧ લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રમેશભાઇએ જણાવ્યું છે કે તેની બચતના રૂા. ૧ લાખ પુત્રીના લગ્ન પ્રસંગ સુધી સાચવવાના હોવાથી પરિચિત મૌલિક રાવલના કહેવાથી ઇન્દિરા સર્કલ પાસે યોગી કોમ્પ્લેક્સમાં આવેલી ગજકેસરી ફાયનાન્સની પેઢી ધરાવતા આરોપીને ત્યાં રોક્યા હતાં. તે વખતે આરોપીએ દર વર્ષે ૧૨.૨૫ ટકા લેખે વળતર આપવાની અને છ વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની ખાતરી આપી હતી. જેની સામે આરોપીએ લખાણ પણ કરી આપી ચેક પણ આપ્યા હતા. પાકતી મુદ્દતે રકમ લેવા જતાં આરોપીએ આપી ન હતી. તે વખતે બહાના બતાવ્યા હતા. આખરે ઓફિસ બંધ કરી દીધાનું અને હાલ રૂપિયા નહીં હોવાનું કહી બીજા બે ચેક આપ્યા હતા. જે બંને પણ પરત ફર્યા હતા. જેથી ફરીથી આરોપીનો સંપર્ક થતાં થોડા દિવસમાં રકમ આપી દેવાની વાત કરી હતી. પરંતુ આજ દિવસ સુધી રકમ પરત નહીં આપતા આખરે આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.


