વધારે પડતી ચિંતા, બ્લડપ્રેશર જેવી ગંભીર સમસ્યાથી બ્રેઇન સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં ઘણા સમયથી યુવાઓમાં હૃદયરોગના હુમલાના કેસ વધી રહ્યા છે. તેની સાથે સાથે વધુ એક જોખમ સામે આવ્યું છે જેમાં બ્રેઇન સ્ટ્રોક પણ હવે યુવાનોમાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ કેસમાં બમણો ઉછાળો જોવા મળ્યો છે.
અમદાવાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સ્ટ્રોકના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. અગાઉ વૃધ્ધોમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ વધારે જોવા મળતાં અને યુવાનોમાં તેનું પ્રમાણ સામાન્ય હતું. જેની સરખામણીએ હવે ૪૦થી ઓછી વયના યુવાનોમાં પણ બ્રેઇન સ્ટ્રોકનાં કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના પ્રમાણમાં વધારો થયો છે. આ અંગે ડોકટરોના મતે હાર્ટ એટેકમાં જે રીતે લોકોમાં જાગૃતિ વધી રહી છે તે રીતે બ્રેઇન સ્ટ્રોક અંગે પણ જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઇએ.
સ્ટ્રોક અંગે જાણકારીનો હજુ અભાવ જોવા મળે છે. સ્ટ્રોક આવે તો તેમાં પ્રથમ ત્રણ કલાક ખૂબ જ મહત્વના છે. જો દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. હાલ યુવાનોમાં સ્ટ્રોકના કેસમાં જે વધારો થયો છે તેના માટે હાઇ બ્લડપ્રેશર, બેઠાડુ જીવન, હાઇપર ટેન્શન, મેદસ્વીપણું જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.


