- ભારતનાં લોકો માટે ઓસ્ટ્રેલિયા દ્વારા ખાસ વિઝા યોજના શરૂ કરવામાં આવી
- ઓસ્ટ્રેલિયાના બજેટમાં ભારતીયો માટે ખાસ પ્રોત્સાહનોની જાહેરાત
- આ યોજનાને મોબિલિટી એરેન્જમેન્ટ ફોર ટેલેન્ટેડ એર્લી પ્રફેશનલ્સ (MATES) નામ આપવામાં આવ્યું
ઓસ્ટ્રેલિયા દ્વારા તેના વાર્ષિક બજેટમાં હવે ભારતીયો માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2022માં કરવામાં આવેલી સમજૂતી મુજબ હવે ભારતીયો માટે હોલિડે વિઝા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાએ ખાસ વિઝા યોજના શરૂ કરી છે. જે હેઠળ 3,000 ભારતીય ગ્રેજ્યુએટ યુવાનો કે જેઓ તેમની કરિયર શરૂ કરવા માંગે છે તેમને ઓસ્ટ્રેલિયામાં રહેવા અને કામ કરવા માટેના વિઝા આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયા 1 નવેમ્બર 2024થી એક નવી યોજના શરૂ કરવાનું છે જેને મોબિલિટી એરેન્જમેન્ટ ફોર ટેલેન્ટેડ એર્લી પ્રફેશનલ્સ (MATES) નામ આપવામાં આવ્યું છે. મેટ્સ ઓસ્ટ્રેલિયામાં દોસ્તો માટે વપરાતો શબ્દ છે. આ યોજના હેઠળ 3,000 યુવાનોને ઓસ્ટ્રેલિયામાં રહેવાના અને કામ કરવા માટે બે વર્ષના વિઝા અપાશે. 18થી 30 વર્ષની વયના યુવકો આવા વિઝા મેળવવાને પાત્ર ઠરશે. તેઓ ખાસ વિષયોમાં શિક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ અને વ્યવસાયને લગતો અનુભવ મેળવવા ઓસ્ટ્રેલિયામાં રહી શકશે. તેમના માટે વિઝા ફી 390 ડોલર એટલે કે રૂ. 22,000 રાખવામાં આવી છે. જેમાં 25 ડૉલર પ્રી એપ્લિકેશન ફી રહેશે.
બંને દેશો વચ્ચે 2022માં કરાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દોસ્તી અને સ્કિલ્સની પ્રતિભાઓ વિકસાવવા કરાર કરાયા હતા. આ કરાર પછી કેન્દ્રનાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, 8 વર્ષમાં મોદી સરકારે કરેલો આ મોટો કરાર છે જેમાં પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયા સાથેનો વેપાર 27.5 અબજ ડોલર એટલે કે 20 અબજ રૂપિયાથી વધારીને 45થી 50 અબજ ડોલર કરવાનો છે.
ભારતનાં 1,000 યુવાનોને બેકપેકર્સ વિઝા અપાશે
ઓસ્ટ્રેલિયાએ 1975માં ભારતનાં 18થી 30 વર્ષના યુવાનો માટે હંગામી ધોરણે ઓસ્ટ્રેલિયામાં રહેવાના અને અભ્યાસ કરવાના વિઝા આપવામાં આવતા હતા. આ વિઝા અભ્યાસ પૂરો થયો પછી ઓસ્ટ્રેલિયામાં ફરવાનો અને નાના મોટા કામ કરવાનો અધિકાર આપતા હતા. આ વિઝા ઓસ્ટ્રેલિયા માટે દૂઝણી ગાય સમાન હતા. તેને વિઝા ફીની આવક થતી હતી અને યુવાન શ્રામિકોની અછત દૂર થતી હતી. તેને પ્રવાસીઓ મળવાની સાથે ખેતી તેમજ ઉદ્યોગોમાં કામ કરનાર કર્મચારીઓ મળવા લાગ્યા હતા.ઓસ્ટ્રેલિયા હવે ભારતનાં 1,000 યુવાનોને બેકપેકર્સ વિઝા આપવા સંમતિ દર્શાવી છે. જેની બજેટમાં જાહેરાત કરાઈ છે. આ વિઝા લોટરીને આધારે આપવામાં આવશે.
ભારતનાં વેપારીઓને હવે પાંચ વર્ષ માટેના વિઝા મળશે
ભારતનાં વેપારીઓ માટે વિઝાની મુદત 3 વર્ષથી વધારીને 5 વર્ષની કરાઈ છે. ઓસ્ટ્રેલિયા દર વર્ષે ત્યાં રહેવા માટે સ્થાયી વિઝા આપે છે જેની સંખ્યા વધારીને 1,85,000 કરાઈ છે. જેમાં 1,32,000 વિઝા કુશળ કામદારોને અપાશે. આવા વિઝા મેળવનારમાં ભારતીયોની સંખ્યા વધારે છે. ગયા જૂનની ગણતરી મુજબ ત્યાં હાલ 8 લાખથી વધુ ભારતીયો રહે છે.


