- વિશ્વના મીડિયા માંધાતાઓના 70 પત્રકારો દ્વારા કરાઈ રહેલી તપાસ
- દુબઈમાં કરોડોની સંપત્તિની માલિકી, તેનો ઉપયોગ અને લીક થયેલી માહિતી પરના રહસ્યનો પર્દાફાશ
- વિશ્વનાં 70 જેટલી મીડિયા હાઉસનાં પત્રકારો રહસ્ય શોધવા તત્પર બન્યા
દુબઈમાં રહીને કરોડોની મિલકતનાં માલિકો દ્વારા આતંકી ફાઈનાન્સરો, ડ્રગ્સ માફિયાઓ તેમજ જાસૂસોને સહાય કરવામાં આવતી હોવાની સનસનાટીભરી માહિતી લીક થતા વિશ્વભરનાં મીડિયા માંધાતાઓનાં 70 પત્રકારો દ્વારા સમગ્ર યોજના પરથી રહસ્યનો પડદો ઊંચકવા તપાસ હાથ ધરવામાં આવી છે. વિશ્વનાં 70 જેટલી મીડિયા હાઉસનાં પત્રકારો રહસ્ય શોધવા તત્પર બન્યા છે. દુબઈ અનલૉક્ડનાં કેટલાક પ્રોજેક્ટ 3 અબજ સિંગાપુર ડૉલરનાં મની લૉન્ડરિંગ કેસ સાથે સંકળાયેલા છે જેમાં મૂળ ચાઈનીઝ વિદેશીઓ સામે કેસ કરાયા છે જેમાં તેમની સાઠગાંઠ બહાર આવી છે. આ કેસમાં કેટલાકને દોષિત પણ ઠરાવાયા છે. જે લોકો દુબઈ અનલૉક્ડ પ્રોજેક્ટમાં સંકળાયેલા છે તેમની ઓળખ દુબઈમાં અબજો ડૉલરની સંપત્તિ ખરીદનારાઓ તરીકે થઈ છે. ધ સ્ટ્રેઈટ ટાઈમ્સનાં અહેવાલ મુજબ આવા લોકો દ્વારા આતંકીઓને ફાઈનાન્સિંગ કરવામાં આવે છે અને તેઓ ડ્રગ્સ માફિયાઓને પણ નાણાકીય મદદ કરે છે . કેટલાક દેશનાં જાસૂસોને પણ મદદ કરાય છે. દુબઈ અનલૉક્ડનાં આ પ્રોજેક્ટની કુંડળીનું રહસ્ય શોધવા ધ સ્ટ્રેઈટ ટાઈમ્સ, અલ જઝીરા, ધ સન્ડે મોર્નિંગ હેરાલ્ડ અને ધ ટાઈમ્સ સહિત 70થી વધુ મીડિયા માંધાતાઓનાં પત્રકારો તપાસ કરી રહ્યા છે અને રહસ્યનાં તાણાવાણા ઉકેલી રહ્યા છે. વર્ષ 2020થી 2022 સુધીમાં દુબઈમાં કરોડોની સંપત્તિનાં માલિકો, તેનો ઉપયોગ અને તેમનાં અન્ય કાળાં કરતૂતોની લીક થયેલી માહિતી પરથી આ રિપોર્ટસ તૈયાર કરવામાં આવ્યો છે.
અફઘાનની સંસદના પૂર્વ સ્પીકરનું દુબઈમાં 15 અબજ ડૉલરથી વધુનું રોકાણ
અમેરિકાની નોન પ્રોફિટ સંસ્થા સેન્ટર ફોર એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતી તેમજ નોર્વેનાં ફાઈનાન્શિયલ આઉટલેટ્સ E 24 તેમજ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે 6 મહિના કરતા વધુ સમયથી તપાસ કરવામાં આવી રહી છે. લીક થયેલી માહિતીમાં એવો સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાનની સંસદનાં પૂર્વ સ્પીકર મીર રેહમાની અને તેમનાં પુત્ર અજમલ દ્વારા દુબઈની રિયલ એસ્ટેટમાં 15 અબજ ડૉલરનો ખર્ચો કરાયો છે અને રોકાણ કરાયું છે. અમેરિકાની સરકારી સહાયનો દુરુપયોગ કરવા માટે 2023માં આ બંને પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. બંને પિતા અને પુત્રએ કરોડો અમેરિકન ડૉલરની ઉચાપત કરી હતી 2001માં તાલિબાનના પતન પછી તેનો રિકન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કર્યો હતો.
મોટાં માથાઓની આતંકી સંગઠનો સાથે સાઠગાંઠ
નિક્કી એશિયાનાં 15મી મેનાં રિપોર્ટમાં જણાવાયું હતું કે કેટલાક લોકો દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠનોને નાણાકીય મદદ કરવામાં આવતી હતી સિંગાપુર ડેઈલી દ્વારા તેમનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આતંકી ગ્રૂપ હિઝબુલ્લાહનાં સભ્ય આધમ તબઝા તેમજ કતાર ખાતેનાં અલી અલ -બનાઈનો સમાવેશ થાય છે જેમણે હિઝબુલ્લાહનાં આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કને નાણાકીય સહાય કરી હોવાનું બહાર આવ્યું છે. અલી ઓસેઈરાનનું નામ પણ ચમક્યું છે જેઓ આર્ટી બિઝનેસનાં નામે હિઝબુલ્લાહ માટે મની લૉન્ડરિંગ કરતા હોવાનો પર્દાફાશ થયો છે.
બુર્જ ખલીફામાં કેટલાંક યુનિટની માલિકી
જેમનાં નામ આતંકી સંગઠનોને નાણાકીય સહાયમાં ચમક્યા છે તે પૈકી અલી ઓસેઈરાન દુબઈમાં કરોડોની સંપત્તિ ધરાવે છે તેઓ વિશ્વની ઊંચામાં ઊંચી ઈમારત બુર્જ ખલીફામાં યુનિટ ધરાવે છે.
ડ્રગ્સ માફિયાઓની પણ સંડોવણી
લીક થયેલી માહિતીમાં રોલિંગ સ્ટોન દ્વારા 14મી મેનાં રિપોર્ટમાં કેટલાક ડ્રગ્સ માફિયાઓનાં નામ પણ જાહેર થયા છે. ડ્રગ્સ માફિયા અને વૉર ક્રિમિનલ અસાદુલ્લાહ દ્વારા દુબઈમાં કરોડો ડૉલરનું આલીશાન મકાન ખરીદવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન સરકારનાં પૂર્વ અધિકારી વિલાની માલિકી ધરાવે છે જેને ભાડે આપીને દર મહિને કરોડો ડૉલરની કમાણી કરાઈ રહી છે.
ક્રિપ્ટો કરન્સી કૌભાંડીઓની સામેલગીરી
આ કાળાં કરતૂતોમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડીઓની પણ સામેલગીરી છે. વન કોઈન ફ્રોડ કેસમાં તેમણે 4 અબજ અમેરિકન ડૉલર એટલે કે 5.38 અબજ સિંગાપુર ડૉલરનું કૌભાંડ આચર્યું છે. અમેરિકામાં તેમની સામે ક્રિમિનલ કેસ કરાયો છે પણ તેઓ દુબઈમાં પ્રોપર્ટી ધરાવે છે. દુબઈ અનલૉક્ડ પ્રોજેક્ટમાં મની લૉન્ડરિંગનો જેમનાં પર આરોપ છે તેવા સુ જિયાનફેંગનું નામ પણ છે. તેઓ સિંગાપુરનાં બિઝનેસમેન સાથે રહીને દુબઈમાં વિદેશીઓને કરોડોની પ્રોપર્ટી વેચવાનો કારોબાર કરે છે. સુની દુબઈમાં 12 જેટલી પ્રોપર્ટી છે જેની કિંમત 21.4 મિલિયન અમેરિકન ડૉલર છે. તેમની સામે 12 કેસ થયેલા છે. લિન બાઓયિંગ પણ મની લૉન્ડરિંગ આરોપી છે. દુબઈમાં તેઓ 9.5 મિલિયન ડૉલરની વિલા ધરાવે છે. મની લૉન્ડરિંગ કેસમાં સિંગાપુર સરકારે જેમને 14 મહિનાની જેલની સજા ફટકારી છે તેવા સુ હાજ્જિન ગ્રાન્ડ ડાઉનટાઉનમાં 11 યુનિટોનાં માલિક છે.


