- માગુરામાં મંદિરને સળગાવી દેવાતા લોકોમાં ભયનો માહોલ
- પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો
- અગાઉ પણ 2021માં કરાયા હતા હિન્દુઓ પર હુમલા
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના માગુરા શહેરમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ મંદિરને બાળી દેવામાં આવ્યું હતું. જેના બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંદિરની સાથે હિન્દુઓના કેટલાક ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી, ત્યારબાદ પોલીસને મામલાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ડરી ગયા છે.
મંદિરમાં તોડફોડ
બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પર એક સવાલ ઉભો થયો છે. મંદિરને નુકસાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. મંદિરમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. અમેરિકાના 2022ના ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં દેશની વસ્તી 165.7 મિલિયન હતી, જેમાંથી 91 ટકા મુસ્લિમો અને 8 ટકા હિંદુઓ હતા. બીજી તરફ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2011માં મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં 89 ટકા મુસ્લિમો અને 10 ટકા હિંદુઓ હતા.
દુર્ગા પૂજા દરમિયાન પણ હુમલા થયા હતા
વર્ષ 2021માં પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થયા હતા જેમાં 4 લોકોના મોત થયા હતા. 15 ઓક્ટોબર 2021 ના રોજ દુર્ગા પૂજાના પ્રસંગે ગુસ્સે ભરાયેલા ટોળાએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. જેમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક હિન્દુઓના ઘરોને પણ રોષે ભરાયેલા ટોળાએ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 4ના મોત નોંધાયા હતા.
સંસ્થાએ આંકડા રજૂ કર્યા હતા
એક બાંગ્લાદેશી માનવાધિકાર સંગઠને માહિતી આપી હતી કે 2013 થી 2021 સુધીમાં હિંદુઓ પર હુમલાની 1,559 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં મંદિરોમાં તોડફોડ અને આગચંપીનાં 1,678 બનાવો નોંધાયા હતા, જેમાં 11 હિંદુઓના મોત થયા હતા. દેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલા ચિંતાજનક છે, ત્યારબાદ હવે આ શ્રેણીમાં હુમલાનો વધુ એક મામલો સામે આવ્યો છે.


