પૂર્વ મેનેજર અને સસ્પેન્ડેડ બેંક અધિકારી આવ્યા મિડિયા સમક્ષ : બેંકના કાલબાદેવી બ્રાન્ચ અને જૂનાગઢના લોન કેસમાં અનિયમિતતાના આક્ષેપ કર્યા
ચંદુભા પરમાર,વિબોધ (વિરેન્દ્ર ) દોશી,મનિષ ભટ્ટ સહિતના અનેક પૂર્વ કર્મચારી પદાધિકારીઓએ આપ્યુ પ્રેસ નિવેદન
નાના લોકોની મોટી બેંક તરીકે છેલ્લા સાત દાયકાથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના કેટલાક રાજયમાં કાર્યરત રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વિવાદે નવુ સ્વરૂપ લીધુ છે. કેટલાક ડિરેકટરોની નારાજગી વચ્ચે બેંકના વહિવટ અંગે વિવિધ આક્ષેપો સાથે બેંકના પૂર્વ મેનેજર અને બેંકના પૂર્વ અધિકારી તથા સંઘ ભાજપના કેટલાક નેતાઓએ નાગરિક બેંક બચાવો સંઘની સ્થાપનાની જાહેરાત કરી છે. આ સંઘના આગેવાન ચંદુભા પરમારે બેંકની કાલબાદેવી બ્રાન્યમાં અપાયેલી લોનમાં કૌભાંડ હોવાના આક્ષેપ કર્યા છે. આ ઉપરાંત જૂનાગઢ શાખાની કેટલીક લોન આપવામાં અનિયમિતતા હોવાનું અગ્ર ગુજરાતને નિવેદનમાં જણાવ્યુ છે.
માધ્યમોને આપેલી એક અખબારી યાદિમાં નાગરિક બેંકના મેનેજમેન્ટ સામે કેટલાક ચોંકાવનારા આક્ષેપ થયા છે. જો કે નાગરિક બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ આ તમામ આક્ષેપોને રદિયો આપ્યો છે. તેમણે કહયુ હતું કે રાજકોટ નાગરિક બેંક માટે રિઝર્વ બેંકનું પ્રમાણ સર્વોપરી છે. રિઝર્વ બેંક બે વખત રાજકોટ નાગરિક બેંકનું ઓડિટ કરી ચુકી છે. અને કલીન ચીટ પણ આપી ચુકી છે. જેમાં એક વખત બેંકનું સર્વાંગી ઓડિટ અને બીજી વખત જે બાબતે પૂર્વ કર્મચારીઓ અને બેંકના હિતશત્રુઓએ કરેલા આક્ષેપીત કેસોની જ તપાસ થઇ છે. બેંકને તેમાંથી કલીન ચીટ મળી છે.

નાગરિક બેંક બચાવો સંઘનો પત્ર
બેંકને રિઝર્વ બેંકના બબ્બે ઓડિટ બાદ કલીન ચીટ મળી ગઇ છે
નાગરિક બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મી દક્ષીણીની સ્પષ્ટતા: સાત દાયકાનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે : વિઘ્ન સંતોષીઓના આક્ષેપમાં દમ નથી
એક તરફ રાજકોટ નાગરીક બેકના પૂર્વ અધિકારી અને સસ્પેન્ડેડ અધિકારીએ રાજકોટ નાગરીક બેંકના મેનેજમેન્ટના વહિવટ સામે નાગરિક બેંક બચાવો સંઘની રચના કરી કેટલાક આક્ષેપો કર્યા છે. ત્યારે બીજી બાજુ રાજકોટ નાગરિક બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ આક્ષેપોને ફગાવી દેતાં જણાવ્યું હતું કે બેંક માટે રિઝર્વ બેંક શિરમોર રેગ્યુલેટરી બોડી છે. રિઝર્વ બેંક રાજકોટ નાગરિક બેંકમાં બબ્બે ઓડિટ કરી ચુકી છે. એક ઓડિટ બેંકના સંપુર્ણ નાણાકિય સંચાલન અને નાણાકિય તંદુરસ્તી અને રિઝર્વ બેંકના રૂલ્સના પાલન અનુસંધાને હતું. જયારે બીજુ ઓડિટ જે આક્ષેપો થયા છે તે કાલબાદેવી શાખા અને જૂનાગઢના લોન કેસ માટે હતું. રિઝર્વ બેંકે બન્ને ઓડિટ બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકને કલીન ચીટ આપી છે.
જે લોકો આક્ષેપ કરે છે તે પાયાવિહોણા છે. બેંકમાં કોઇ પણ જાતની ગેરરીતિ થઇ નથી. રિઝર્વ બેંકે પણ આ બાબત પ્રમાણીત કરી છે. આમ રાજકોટ નાગરિક બેંક સંગીન ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અને લાખો શેરધારકો અને થાપણદારોનો વિશ્વાસ છે.
બેંકનો વિવાદ બ્લેક એન્ડ વ્હાઇટમાં
રાજકોટ નાગરિક બેંકનો વિવાદ આમ તો છેલ્લા દોઢેક વર્ષથી ચાલે છે. પરંતુ બેંકના વહિવટ માટે મૂળ સ્વરૂપે આ વિવાદ નથી. પરંતુ ચોકકસ ડિરેકટરને તેમની છીનવાઇ ગયેલી સતા પરત મેળવવા માટેનો આ સંઘર્ષ છે. આ ડિરેકટર એક વખત બેંકના ટોચના સ્થાને રહી ચુકયા છે. પરંતુ સંઘની પોલીસી મુજબ નવી નેતાગીરી અને રોટેશન વગેરેને ધ્યાને લઇ બેંકના બોર્ડમાં સતાની બે ધરી રચાઇ છે. બેંકના પાયાના સ્થાપક પૈકીના એક અગ્રણીના પુત્ર હાલ સતાના હાંસિયામાં ધકેલાઇ ગયા છે. સંઘ દ્વારા નરેન્દ્રભાઇ દવેને નાગરીક બેંકના સંકલનનો હવાલો સોંપાયો છે. પરંતુ આ ડિરેકટર પોતાની સુપ્રિમસીને કોઇ પડકારી ન શકે એવુ માને છે. આથી તેમણે ચોકકસ અધિકારીઓ અને પૂર્વ કર્મચારી મારફતે પ્રોકસી વોર શરૂ કરી હોવાનુ બેંકના સૂત્રો જણાવે છે. બહુમતી સાત દાયકાની જહેમતથી ઉભી થયેલી બેંકની શાખને નુકસાન કરવાવાળાને અલગ થલગ પાડવાના મિજાજમાં છે. સંઘના સૂત્રો પણ આવો જ ઇશારો કરે છે.
સંઘના અગ્રણી સુનીલ જોશી (ભૈયાજી) રાજકોટમાં યોગાનું યોગ કે અન્ય કારણ ?
ઇફકોના વિવાદ બાદ રાજકોટ નાગરિક બેંકમાં ચોકકસ ડિરેકટરનો વિવાદ અને સતાનો સંઘર્ષ શરૂ થયો છે. બેંકના પૂર્વ અધિકારી,સંઘ અને ભાજપના કેટલાક અગ્રણીઓએ નાગરિક બેંક બચાવો સમિતિની રચના કરી છે. આ વિવાદના સમયે જ રાજકોટમાં સંઘના રાષ્ટ્રિય પ્રચારક સુનીલ જોશી (ભૈયાજી) રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ સંઘના એક અગ્રણી તબીબના નિવાસે પણ ગયા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહિ ચોકકસ શાખાની પણ તેમણે મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત યોગાનુ યોગ છે કે નાગરિક બેંક સહિતના સહકારી ક્ષેત્રના વિવાવ અનુસંધાને છે તે અંગે કોઇ ચોકકસ જવાબ આપવા તૈયાર નથી. સંઘની કાર્ય પ્રણાલી એવી છે કે આ અંગે જવાબ મળવાની પણ શકયતા હોતી નથી.
-
નાગરિક બેંકની થાપણ રૂ.3,૬૨૧ કરોડ
-
બેંક દ્વારા અપાયેલું ધિરાણ રૂ.3,૮3૧ કરોડ
-
બેંકની 3૮ શાખા
-
બેંકના ૧૨૦૦ કર્મચારી
-
વર્ષે રૂ.૧33 કરોડનો નફો
-
બેંકમાં ૨૧ ડિરેકટર
-
સામાન્ય સભા દર વર્ષે જુલાઇથી ઓગષ્ટ એન્ડ સુધીમાં


