રાતવાસો રસ્તા પર જ કારમાં ગુજારવો પડયો : પાણીની બોટલથી લઇ ખાદ્યચીજોના ૪ થી પ ગણા ભાવ પડાવવામાં આવતો હોવાની ફરિયાદ
ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં શરૂઆતથી જ ભાવિકોનો ઘૂઘવાતો સમૂંદર પહોંચી જતાં ચારધામ યાત્રાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. લોકોને મંદિર સુધી પહોંચવામાં હાલાકી પડી રહી હતી. શરૂઆતમાં રસ્તા પર ૧૫ થી ૨૦ કિ.મી.નો ટ્રાફિક જામ થયો છે. લોકોને રાતવાસો પોતાની કારમાં જ કરવો પડી રહ્યો છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રથી ગયેલા ભાવિકોને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને રાતવાસો કારમાં જ કરવો પડી રહ્યો છે. ૧૮ થી ૨૦ કલાક સુધી કારમાં જ રહયા હતા તેમજ સ્થાનિક વેપારીઓ દ્વારા પાણીની બોટલથી લઇ ખાદ્ય ચીજોના ચારથી પાંચ ગણા ભાવ પડાવવામાં આવતા હોવાની પણ ફરિયાદ કરી છે.
ઉત્તરાખંડમાં મે મહિનાથી નવેમ્બર મહિના સુધી ચારધામની યાત્રા જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા કરવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી શ્રધ્ધાળુઓ જતાં હોય છે, ત્યારે આ વર્ષે ચારેય ધામના કપાટ ખૂલતાંણી સાથે જ શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો થયો છે જેના કારણે યાત્રિકોને રસ્તા ઉપર ભારે ટ્રાફિકજામ હોવાના કારણે 18 થી 20 કલાક ગાળવી પડી રહી છે. અને લોકલ વેપારીઓ દ્વારા ચીજવસ્તુઓના ચારથી પાંચ ગણા ભાવ તોડવામાં આવી રહ્યા છે. તેમજ રસ્તા ઉપર કોઈ જ પ્રકારની સુવિધા ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં ન આવી હોવાના કારણે શ્રધ્ધાળુઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ અમરેલી નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ સદસ્ય સંદીપ ધાનાણીએ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ચારધામની યાત્રાએ જતાં યાત્રિકોને કષ્ટદાયી યાત્રાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક યાત્રાળુ હજારો લાખો રૂપિયા ખર્ચીને પણ યાત્રા સ્થળે જેમકે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ મંદિરના દર્શન થી પણ વંચિત રહે છે.18 કલાક બસ ટ્રાવેલ્સ, ટેમ્પો ટ્રાવેલ, ઇનોવા, બોલેરો ગાડી અને પ્રાઇવેટ કારોમા યાત્રીઓ ફસાયા અને હરીદ્વારથી ઉત્રકાશી હેમખેમ પોંહચીને યાત્રી ફાટા ગામથી ટ્રાફિકના લીધે યાત્રાના પ્રારંભ સ્થળ ગૌરીકુંડ 19 કિલોમીટર દૂરથી પગપાળા પ્રારંભ કરી રહ્યા છે. ગૌરીકુંડથી પગપાળા 22 કિલોમીટર દુર અને 11750 ફુટ હાઇટ ઉપર આવેલ બાબા કેદારનાથ ધામ પોહચવા માટે યાત્રીઓ તોબા પોકારી જાય છે. બાબા કેદારનાથના દર્શન પાંચ પ્રકારની યાત્રાથી કરી શકાય છે. પગપાળા યાત્રા, પીઠું યાત્રા, ડોલી યાત્રા, ખચર યાત્રા અને હેલિકોપ્ટરથી દર્શન કરવા માટે અનેક સમસ્યા નો સામનો કરવો પડે છે. ખચર અને ડોલીના લીધે પગપાળા યાત્રિકોને ખુબજ મુશ્કેલી પડે છે. યાત્રિકો ટ્રાફિક અને ભીડના લીધે યાત્રા પુર્ણ કરી શકતા નથી.


