- દર વર્ષે 22 મેના બપોરે 2.7 મિનિટે અદભુત દ્રશ્ય જોવા મળે છે
- કોબામાં આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજીના કાળધર્મની સ્મૃતિમાં મંદિરનું નિર્માણ કરાયું
- ગાંધીનગરના કોબામાં ભગવાન મહાવીરના કપાળ પર સૂર્યતિલક જોવા મળશે
ગાંધીનગર જિલ્લામાં આવેલા કોબા જૈન તિર્થમાં આજે અદભુત વિસ્મયકારી વૈજ્ઞાનિક ઘટના જોવા મળશે. ભગવાન મહાવીરની મૂર્તિના કપાળ પર બપોરના 2.07 મિનિટે મંદિરમાંથી સૂર્યતિલકનો નજારો જોવા મળશે. જો કે આ ઘટના આશરે ત્રણેક મિનિટ જેટલો સમય સુધી જોઈ શકાશે. આ સમગ્ર ઘટના પાછળ ગણિત, ખગોળ અને શિલ્પનો સુભગ સમન્વય જોવા મળે છે. અને આ દ્રશ્ય દર વર્ષે સર્જાય છે.
આ દ્રશ્યને જોવા માટે દેશમાંથી હજારો ભક્તો જૈન તિર્થમાં ઉમટી પડતા હોય છે. જો કે હવે આ સૂર્યતિલકની ઘટનાને સોશિયલ મીડિયાથી પણ જોઈ શકાય છે. આ સૂર્યતિલક ગુરુસ્મૃતિ તરીકે પણ ભક્તોમાં વિશેષ સ્થાન છે. છેલ્લા 33 વર્ષથી આ અલૌકિક દ્રશ્ય રચાવા પાછળ દેરાસરમાં ગચ્છાધિરાજ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે સૂર્યતિલક થાય છે. દેરાસરની સ્થાપના મહારાજા કાળધર્મની તિથિ અને સમય પ્રમાણે ચોક્કસ ગણિત અને ખગોળને જોડીને રચવામાં આવી છે. કારણ કે દેરાસરમાં મહારાજ સાહેબને એ સમયે તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જેથી ભક્તોને આ ગુરુ સ્મૃતિ રહે એ નિમિત્તે મંદિરનું બાંધકામ એ રીતે નિર્માણ કરાયું હતું.
દેશ-વિદેશમાં પણ સૂર્યતિલકની ઘટના
સૂર્યતિલકની ઘટના ગાંધીનગરના કોબા સિવાય દેશના જુદાજુદા મંદિરોમાં પણ જોવા મળે છે. રાજસ્થાનના પર્વતીય વિસ્તાર રાણકપુરના જૈન મંદિરમાં પણ આવી સૂર્યતિલકની ઘટના જોવા મળે છે. આ સિવાય મહેસાણા જિલ્લાના મોઢેરામાં 15મા સૈકામાં નિર્માણ પામેલું સૂર્યમંદિરનું બાંધકામ પણ એ રીતે કરેલું છે કે સવારનું પ્રથમ સૂર્યકિરણ ભગવાન સૂર્યની પ્રતિમા પર પડે છે. જો કે એવી લોકવાયકા છે કે પહેલાં સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યના કપાળ પર કિંમતી હીરો હતો અને આ સૂર્યમૂર્તિ પર જયારે સૂર્યકિરણો પડતા ત્યારે આખું મંદિર અલૌકિક રીતે ચમકી ઉઠતું પરંતુ આક્રમણકારીઓ દ્રારા મંદિરને ખંડિત કરીને આ કિંમતી હીરાની ચોરી કરી ખીલજીના શાસનમાં મંદિર ધ્વસ્ત કરાયું હતું. જો કે બાદમાં આને ફરીથી નિર્માણ કરાયું હતું.
દેશના દક્ષિણ ઓ઼ડિશામાં આવેલું કોર્ણાક સૂર્યમંદિરમાં પણ સૂર્યતિલકનો નજારો જોવા મળે છે. જેને વિશ્વ વારસા તરીકે યુનોએ પણ નોંધ લઈ હેરિટેજ તરીકે ઓળખ આપી છે. આ સિવાય મહારાષ્ટ્રમાં આવેલું લક્ષ્મીજીના મંદિરમાં પણ સૂર્યતિલકની ઘટના સર્જાતી હોય છે. જો કે આ સૂર્યતિલક પાછળ કોઈ અંધશ્રદ્ધા નહિ પરંતુ ગણિત, ખગોળ અને મંદિરના બાંધકામની ડિઝાઈન એવી રીતે કરવામાં આવે છે કે વર્ષના એક દિવસે અને સમયે સૂર્યના કિરણો ચોક્કસ સ્થાને એક થતા હોય ત્યારે સૂર્યતિલક રચાય છે.


