- નેપાળના પીઢ પર્વતારોહકે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
- કામીએ 10 દિવસ પહેલા જ 29મી વખત એવરેસ્ટ સર કર્યું હતું
- જાણીતા પર્વતારોહક કામી રીટા શેરપાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો
નેપાળના અનુભવી પર્વતારોહક કામી રીતા શેરપાએ બુધવારે 30મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને ઈતિહાસ રચ્યો છે. શેરપાએ 10 દિવસ પહેલા સૌથી વધુ વખત વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. ’14 પીક્સ એક્સપિડિશન’ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તાશી લકપા શેરપાના જણાવ્યા અનુસાર, 54 વર્ષીય પર્વતારોહક રીટા શેરપા સ્થાનિક સમય અનુસાર સવારે 7.49 કલાકે 8,849 મીટર ઊંચા શિખર પર પહોંચ્યા હતા. કામીએ 10 દિવસ પહેલા જ 29મી વખત એવરેસ્ટ સર કર્યું હતું.
1994માં પ્રથમ વખત એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું
કામી રીટા શેરપાએ 1994માં પ્રથમ વખત એવરેસ્ટ પર ચઢી હતી. ગયા વર્ષે, તેણે એક જ સિઝનમાં 27મી અને 28મી વખત એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો અને આ રીતે તે સૌથી વધુ વખત એવરેસ્ટ પર ચઢનાર વ્યક્તિ બન્યો હતો.
ઘણા પર્વતો પર ચડી ચૂક્યા છે
‘સેવન સમિટ ટ્રેક્સ’ના વરિષ્ઠ પર્વત માર્ગદર્શક કામીનો જન્મ 17 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. કામીએ પોતાના કરિયરની શરૂઆત સપોર્ટ સ્ટાફ તરીકે કરી હતી. કામીએ માઉન્ટ K2, ચો ઓયુ, લ્હોત્સે અને મનસ્લુ સહિત અનેક પર્વતો પર ચડ્યા છે.
અભિનંદન સંદેશા પ્રાપ્ત કરી રહ્યાં છે
પર્વતારોહક કામી રીટા શેરપાને તેની સિદ્ધિ બદલ વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે, ગયા વર્ષે સોલુખુમ્બુના પાસંદ દાવા શેરપાએ 27મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું, પરંતુ આ સીઝનમાં આરોહણ અંગે તેમણે હજુ સુધી નિર્ણય લીધો નથી.


