નુસરથ અને નાફરાન સોનાની દાણચોરી માટે 3૮ થી ૪૦ વખત ભારત આવ્યા હતા
હથિયાર અને ફોન એફએસએલમાં મોકલાયા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આંતકીઓ પાસેથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચારેય આંતકીની મુલાકાત પાકિસ્તાનમાં બેઠેલા અબુએ કરાવી હતી. અમદાવાદમાં તેઓ કોઈ હોટેલમાં રોકાય અને ત્યારબાદ આયોજન બંધ પોતાની યોજનાને અંજામ આપવાના હતા. આંતકીઓ અંગ્રેજી ભાષાના જાણકાર હોવા છતાં માત્ર તમિલમાં જ વાત કરી અને પોલીસને પણ ઉલ્ટા ચસશમાં પહેરાવ્યા હતા.
બીજી બાજુ તામિલનાડુ પોલીસ પણ ચારેયની પુછપરછ માટે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ગુજરાત પોલીસની પુછપરછ દરમિયાન મદદ ન મળે તે માટે તેમને તામિલ સિવાય કોઇ ભાષા આવડતી નથી તે પ્રમાણેનું વર્તન કરી રહ્યા હતા. જેથી ગુજરાત પોલીસને વિગતો મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવ્યા છે અને તમામ આતંકવાદીઓ અંગ્રેજી પણ જાણતા હોવાનું સામે તામિલનાડુ પોલીસે જણાવ્યું હતું.
આતંકવાદી નુસરથ અને નાફરાન ગોલ્ડની તસ્કરી કરવા માટે 3૮ થી ૪૦ વખત ભારત આવ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જો કે આ ચારેય આતંકવાદી સંગઠનમાં જોડાયા બાદ પહેલી વખત ભારત આવ્યા હોવાનું પણ પુછપરછમાં જણાવ્યું હતું. બીજી તરફ આ કેસમાં આઇબી, રિસર્ચ એનાલિસિસ વિંગ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જેવી એજન્સી પણ તપાસમાં જોડાઇ ગઇ છે. આ કેસની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે.
ત્રણ પિસ્તોલ જ કેમ હતી તે બાબતે પુછપરછ કરતા જયારે પણ ટાર્ગેટ મળે ત્યારે ત્રણ આતંકવાદીઓ આ ત્રણ પિસ્તોલથી હુમલો કરવાના હતા. જયારે એક આતંકવાદી આઇએસઆઇએસનો ધ્વજ ફરકાવવાનો હોવાનું જણાવ્યું હતું. આતંકીઓ પાસેથી મળેલા હથિયાર અને ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. મોબાઇલમાં રહેલી તમામ ડિટેઇલ માહિતી પણ જલદીથી એટીએસની ટીમને મળી જશે. બીજી બાજુ નાના ચિલોડા હથિયાર કોણ મૂકી ગયું હતું તે શોધવામાં હાલ એટીએસને કોઇ કલૂ મળ્યો નથી. જેથી તેમણે સીસીટીવી ફૂટેજની સાથે સાથે ટોલ નાકા પર કાર કેટલી વખત પસાર થઇ છે તેના ડેટા માંગ્યા છે.


