- આતંકી નફરાનનો પિતાએ કરી હતી જજની હત્યા
- 4 આતંકીઓની ટિકીટ બુક કરાવનાર ઝડપાયો
- શ્રીલંકા પોલીસે બુક કરાવનારની કરી અટકાયત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ ISIS સાથે સંકળાયેલા 4 આતંકીના કેસમાં ગુજરાત ATS દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાત ATSની સાથે સાથે તમિલનાડુ ATS અને શ્રીલંકા પોલીસ પણ તપાસમાં સામેલ થઈ છે. તો શ્રીલંકામાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલા 4 આતંકીઓ પૈકી એક આતંકી મોહમ્મદ નફરાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકી મોહમ્મદ નફરાનનો પિતા પણ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. નફરાનના પિતાએ શ્રીલંકામાં હાઈકોર્ટના જજની હત્યા કરી હતી. મોહમ્મદ નફરાનના પિતા નિયાસ નૌફરને વર્ષ 2004માં હાઇકોર્ટના જજ સરથ અંબેપિટિયાની હત્યા માટે મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી.
તો, વર્ષ 2017માં શ્રીલંકા પોલીસ દ્વારા નફરાનના પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમ અન્ડ જ્વેલરી એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. નિયાસ નૌફર શ્રીલંકામાં પોટટ્ટા નૌફર તરીકે ઓળખાય છે અને શ્રીલંકાના અન્ડરવર્લ્ડનો ડોન માનવામાં આવે છે.
તો, બીજી બાજુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે શ્રીલંકામાં શ્રીલંકા ટેરરીઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (TID) દ્વારા એક 44 વર્ષીય ઈસમની અટકાયત કરવામાં આવી રહી છે. આ શખ્સ દ્વારા અમદાવાદમાં પકડાયેલ ચારેય આતંકીઓની ટિકિટ બુક કરાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


