- બ્રિટનના પીએમએ ચૂંટણીની જાહેરાત કરતા એફટીએ કરાર પર ખતરાનું જોખમ
- ભારતમાં પણ હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે
- બંને દેશની ચૂંટણી બાદ આ એફટીએ કરાર પર આગળ વાત થાય તેવી શક્યતા
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દ્વારા દેશમાં સામાન્ય ચૂંટણી 4 જુલાઈએ યોજાશે તેવી અચાનક જાહેરાત બાદ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર મુલતવી રાખવાની શક્યતા છે. ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો બ્રિટનમાં સામાન્ય ચૂંટણીના એક મહિના પહેલા એટલે કે 4 જૂને જાહેર કરવામાં આવશે. જોકે, રાજકીય વિશ્લેષકો અને વ્યૂહાત્મક નિષ્ણાતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પરિણામ ગમે તે આવે, દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ખાસ બદલાવ નહીં આવે. પરંતુ એફટીએ કરાર, જેના પર સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર હેઠળ હસ્તાક્ષર થવાની અપેક્ષા હતી, તે હવે સામાન્ય ચૂંટણીઓની જાહેરાતને કારણે મોકૂફ રહેવાની શક્યતા છે.
જાન્યુઆરી-2022માં વાતચીત શરૂ થઈ હતી
ભારત અને બ્રિટન વચ્ચે FTA પર વાટાઘાટો જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી અને તેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર વધારવાનો છે. હાલમાં બંને દેશો વચ્ચે એક વર્ષમાં લગભગ 38.1 બિલિયન પાઉન્ડનો વેપાર થાય છે. ચૂંટણી પૂર્વેના મોટાભાગના સર્વેમાં વિપક્ષી પાર્ટી ‘લેબર પાર્ટી’ આગળ છે. જો કે લેબર પાર્ટીએ પણ આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, પરંતુ તેની સમય મર્યાદા વિશે કંઈ કહી શકાય નહીં.
‘ભારત સાથેના સંબંધોમાં સાતત્ય હોવું જોઈએ’
લંડન સ્થિત થિંક ટેન્ક ‘ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ’ના દક્ષિણ અને મધ્ય એશિયાઈ સંરક્ષણ, વ્યૂહરચના અને મુત્સદ્દીગીરી માટેના અધિકારીએ કહ્યું, “ઋષિ સુનકે 4 જુલાઈએ ચૂંટણીની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે.” આને કારણે, કન્ઝર્વેટિવ સરકાર દ્વારા ભારત સાથે બહુપ્રતીક્ષિત FTAને અંતિમ સ્વરૂપ આપવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે.” બ્રિટિશ થિંક ટેન્ક ‘ચેથમ હાઉસ’ ખાતે એશિયા-પેસિફિક પ્રોગ્રામના દક્ષિણ એશિયાના સિનિયર રિસર્ચ ફેલો ડૉ. સી. બાજપાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બ્રિટનમાં ચૂંટણીના પરિણામો ગમે તે હોય, ભારત સાથેના સંબંધોમાં સાતત્યતા હોવી જોઈએ.


