- ઈઝરાયલ-હમાસ વચ્ચે સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- હમાસે સાત ઑક્ટોબરે કરેલા હુમલાનું પુનરાવર્તન કર્યું
- ઈઝરાયલના હુમલામાં ગાઝા પટ્ટીનો વિસ્તાર કાટમાળમાં તબદિલ
મિડલ ઈસ્ટમાં અત્યારે ભીષણ ગરમીની વચ્ચે હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે સાત મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં બંને બાજુથી એકપણ મચક નથી આપી રહ્યા. ઉપરથી યુદ્ધ વધુ ઉગ્ર થઈ રહ્યું છે.
હમાસને સમાપ્ત કરવા ઈઝરાયલ સૈન્ય સતત એર સ્ટ્રાઈક અને જમીન પર હુમલા વધારી રહ્યું છે. આ દરમિયાન હમાસે રવિવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં રોકેટ હુમલો કર્યો હતો. ત્યારબાદ વળતા હુમલામાં ઈઝરાયલે ગાઝા પટ્ટીના સૌથી દક્ષિણ શહેર રફામાં જોરદાર બોમ્બમારો કર્યો છે. જેમાં 35 પેલેસ્ટાઈન માર્યા ગયા હતા. કેટલાક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે.
ઈઝરાયલી સેન્યાએ આઠ રોકેટ છોડ્યા
રફા શહેરમાં હજારો પેલેસ્ટિનિયન શરણાર્થીઓ યુએન રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીના વેરહાઉસની નજીક તંબુઓમાં રહે છે. જ્યાં ઈઝરાયેલી દળોએ રવિવારે લગભગ આઠ રોકેટ છોડ્યા હતા. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્થાપિત પરિવારોની ગીચ વસ્તીવાળા વિસ્તાર પર તે ઈઝરાયલી હવાઈ હુમલો કર્યો હતો. જેમાં પ્લાસ્ટિક અને ટીનથી બનેલા તંબુ તેમજ નાગરિક વાહનોનો નાશ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સના કર્મચારીઓએ મૃતદેહોને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલા પહેલા ઈઝરાયેલી સૈન્ય દ્વારા વિસ્તારને “સેફ ઝોન” જાહેર કરવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં, હમાસે બોમ્બ ધડાકાની નિંદા કરી હતી. તેને આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટના ચુકાદાની સંપૂર્ણ અવગણના અને અવગણના ગણાવી. ICJએ ઈઝરાયેલને રફાહમાં હુમલો રોકવાની માંગ કરી હતી.
“રફામાં હમાસ કમ્પાઉન્ડ પર હુમલો થયો”
“IDF એરક્રાફ્ટે રફાહમાં હમાસના એક કમ્પાઉન્ડ પર હુમલો કર્યો, જ્યાં હમાસના ત્રાસવાદીઓ સ્થિત હતા,” ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું. “આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યો હતો,” તેમાં કહેવામાં આવ્યું છે. અગાઉ 7 મેના રોજ, ઈઝરાયેલની સેનાએ જાહેરાત કરી હતી કે તેણે ઈજિપ્તની સરહદ પર ગાઝા પટ્ટીના દક્ષિણમાં રફાહના પૂર્વ વિસ્તારમાં સ્થિત ક્રોસિંગના પેલેસ્ટિનિયન ભાગનો કબજો મેળવી લીધો છે, જે ગાઝામાં પ્રવેશતી સહાયને અવરોધે છે. ઈઝરાયેલ રફાને હમાસનો છેલ્લો ગઢ માને છે, જેણે 2007થી ગાઝા પટ્ટી પર નિયંત્રણ કર્યું છે.


