- જાસૂસી ઉપગ્રહ લોન્ચ થયા બાદ થયું ખતમ
- ટેકઓફની થોડીવારમાં ખામી આવતા વિસ્ફોટ થયો
- અમેરિકા-દ.કોરિયા પર નજર રાખવાની હતી યોજના
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને મોટો ઝટકો લાગ્યો છે. જોંગની યોજના ઉત્તર કોરિયાના બીજા જાસૂસી ઉપગ્રહને અવકાશમાં તૈનાત કરવાની હતી, પરંતુ આ રોકેટ લોન્ચ થયા પછી તરત જ વિસ્ફોટ થયો. મળતી માહિતિ અનુસાર ઉત્તર કોરિયાએ મુખ્ય સ્પેસ સ્ટેશનથી નવા રોકેટ પર એક જાસૂસી ઉપગ્રહ છોડ્યો, પરંતુ રોકેટના એન્જિનમાં ટેકઓફની થોડી જ વારમાં શંકાસ્પદ ખામી સર્જાઈ અને વિસ્ફોટ થયો.
કિમ જોંગ માટે મોટો ફટકો
કિમ જોંગ ઉન આ સેટેલાઈટ દ્વારા અમેરિકા અને દક્ષિણ કોરિયા પર ચાંપતી નજર રાખવાની યોજના બનાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં આ સેટેલાઈટ લોન્ચ કરવામાં નિષ્ફળતા સરમુખત્યાર કિમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ પ્રક્ષેપણ એવા સમયે નિષ્ફળ ગયું છે જ્યારે દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનના નેતાઓ ચાર વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત સિઓલમાં ભેગા થયા હતા. બીજી તરફ ઉત્તર કોરિયાનો સૌથી મોટો સહયોગી ચીન પણ આ ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી રહ્યું છે.
પાડોશી દેશોએ કરી ટીકા
ઉત્તર કોરિયાના પાડોશી દેશોએ આ જાસૂસી ઉપગ્રહના પ્રક્ષેપણની ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ પણ ઉત્તર કોરિયા પર આવા કોઈપણ પ્રક્ષેપણને હાથ ધરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જાપાનના સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારાએ ઉત્તર કોરિયાના સેટેલાઇટ લોન્ચિંગને ‘સમગ્ર વિશ્વ માટે ગંભીર પડકાર’ ગણાવ્યો હતો. તે જ સમયે દક્ષિણ કોરિયાએ સેટેલાઇટ લોન્ચિંગને ‘ઉશ્કેરણીજનક પગલું’ ગણાવ્યું હતું. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે તે અમારી અને ક્ષેત્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.


