- મીની ગીરનારધામ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત
- સમાજ કલ્યાણ અને આત્મકલ્યાણ માટેના આપ્યા આશીર્વાદ
- આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હોવાની અનુભૂતિ થઈ: સીએમ
ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના માણેકપુર ગામે ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજીવન અખંડ આયંબિલ તપના ભીષ્મપ્રતિજ્ઞાધારક પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભસૂરી મહારાજ સાહેબની મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
માણેકપુર ગામે આવેલ મીની ગિરનાર એટલે ગિરનાર તીર્થધામે બિરાજમાન તીર્થોદ્વારક પ.પૂ. આચાર્ય હિમાંશુસૂરી મહારાજ સાહેબના અત્યંત કૃપાપાત્ર તથા યુગપ્રધાન આચાર્ય પ.પૂ. પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પ.પૂ. આચાર્ય ધર્મરક્ષિતસૂરી મહારાજ સાહેબના શિષ્ય આજીવન અખંડ આયંબિલ તપના ભીષ્મપ્રતિજ્ઞાધારક પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભસૂરી મહારાજ સાહેબ ની દીર્ઘકાલીન તપશ્ચર્યા તથા સંયમજીવનની વાતો સાંભળીને ગુણાંનુરાગી એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમના દર્શન વંદનની ઈચ્છા થતાં ગઇકાલે તારીખ 30મી મેના રોજ ગુરૂવારે સવારે મુખ્યમંત્રી માણેકપુર મીની ગીરનારધામ તીર્થ ખાતે આચાર્ય ભગવંત પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભસૂરી મહારાજ સાહેબના દર્શન અને વંદન કરી આશીર્વાદ લીધા.
આચાર્ય ભગવંતે મુખ્યમંત્રીને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, મનુષ્ય ભવની દુર્લભતા જણાવીને મળેલી સતત અને શક્તિ દ્વારા વિશેષ સ્વરૂપે સમાજ કલ્યાણ અને આત્મકલ્યાણ માટે પ્રબળ પુરૂષાર્થ કરવા જણાવીને આશીર્વાદ આપ્યા હતા, અને આ સાથે મુખ્યમંત્રીને પણ આ દર્શન વંદન કરી આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હોવાની અનુભૂતિ થઈ હતી. તેમજ આ તકે આચાર્ય ભગવંતના આશીર્વાદ મેળવવા પધારેલા મુખ્યમંત્રીનું માણેકપુર જૈન તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
આચાર્ય ભગવંતની 28 વર્ષથી આયંબિલ તપશ્ચર્યા
પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભસૂરી મહારાજ સાહેબ હાલ 28 થી પણ વધુ વર્ષથી આયંબિલ તપની આરાધનામાં 9800 ઉપરાંત આયંબિલ સાથે જીવનમાં કુલ 10800 થી વધુ આયંબિલ તથા લગભગ 1700 ઉપવાસની તપશ્ચર્યા થયેલ છે, તેમજ આચાર્ય ભગવંતએ ગિરનારની 3570 થી વધુ વખત ગિરનારની યાત્રા કરેલ છે,
કેવી રીતે થાય છે આયંબિલ તપ?
આયંબિલ તપમાં એક જ વખત ધી, દૂધ, દહીં, છાસ, તેલ, મિષ્ટાન, ફરસાણ, મરચાં, મસાલા, શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રુટ, ઠંડાપીણા વિગેરે દરેક વસ્તુના ત્યાગ સાથે માત્ર બાફેલા ધાન્ય તથા રોટલી, રોટલા, ભાત જ માત્ર વાપરી શકાય છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુરુવારે સવારે માણેકપુર ખાતે મીની ગિરનાર ધામે આચાર્ય ભગવંતના આશીર્વાદ મેળવી ને ધન્યતા અનુભવી હતી તેમજ તેમણે પોતાના સોશિયલ મીડિયા ફેસબુક પેજ, ટ્વીટર સહિત સોશિયલ મીડિયામાં આચાર્ય ભગવંતના આશીર્વાદ મેળવવા હોવાની તસવીરો શેર કરી જણાવ્યું હતું કે, પ. પૂ. પન્યાસ ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય એવા હેમવલ્લભસુરી મહારાજ સાહેબની ઓજસ્વી વાણીનું શ્રવણ અને તેમના તપની આભાનો લાભ પ્રાપ્ત કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે, સાથો સાથ તેમના વંદન કરી આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.


