કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર
મોડી રાત્રે પરા પીપળીયાથી કારમાં નીકળેલા પાંચ શખ્સો એઈમ્સ પાછળ પહોંચ્યા બાદ એક યુવક તળાવમાં પડ્યાની વાત કરતાં પોલીસ-ફાયર બ્રિગેડ દોડી
ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સોને કસ્ટડીમાં લઈ સઘન પૂછપરછ શરૂ કરી, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે તાજેતરમાં જ રાજકોટ નજીક બોલીવુડની ક્રાઈમ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી એક રહસ્યમય ઘટના સામે આવી છે. રાજકોટના કુખ્યાત શખ્સ જેનીશ મહાજન અને તેની ટોળકીના જ એક સાગરીત જય ખાંભરાનું રહસ્યમય મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભારે ચકચાર જાગી છે અને પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં પરા પીપળીયા વિસ્તારમાંથી એક કારમાં પાંચ શખ્સો સવાર થઈને નીકળ્યા હતા. આ કારમાં કુખ્યાત જેનીશ મહાજન અને તેનો સાગરીત જય ખાંભરા સહિત અન્ય યુવાનો પણ સામેલ હતા. પ્રાથમિક વિગતો મુજબ, કારમાં સવાર આ શખ્સોને અચાનક એવો ભય સતાવવા લાગ્યો હતો કે કોઈ અજાણ્યા શખ્સો અથવા દુશ્મન ગેંગ તેમની કારનો પીછો કરી રહી છે. પીછો કરનારાઓથી બચવા અને જીવ બચાવવા માટે કાર ચાલકે વાહન અતિ ઝડપે દોડાવ્યું હતું.
ભયના માર્યા આ પાંચેય શખ્સો પોતાની કારને રાજકોટ નજીક આવેલી એઈમ્સ હોસ્પિટલની પાછળના અવાવરુ વિસ્તાર તરફ લઈ ગયા હતા. એઈમ્સ પાછળના ભાગે એક તળાવ આવેલું છે. આ નિર્જન જગ્યાએ પહોંચ્યા બાદ ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો હતો. મધ્યરાત્રિના અંધારામાં એઈમ્સ પાછળ પહોંચેલી આ ટોળકીમાંથી એક શખ્સ જય ખાંભરા અચાનક તળાવના ઊંડા પાણીમાં પડી ગયો હોવાની વાત વહેતી થઈ હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મોડી રાત્રે જ અંધારામાં તળાવના પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જો કે, કારમાં સવાર અન્ય શખ્સોની વર્તણૂક અને તેમણે આપેલી કેફિયત પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ શંકાસ્પદ લાગી હતી. પીછો કરવાના ડરથી કોઈ વ્યક્તિ સીધી તળાવમાં કઈ રીતે પડી જાય? અથવા આ કોઈ આયોજનબદ્ધ કાવતરું છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ મામલો માત્ર અકસ્માતનો ન હોવાની શંકા જતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડીને કારમાં સવાર અન્ય ચાર શખ્સોને રાતોરાત રાઉન્ડઅપ કરી લીધા હતા. આ ચારેય શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લાવીને અલગ રૂમમાં બેસાડી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ખરેખર તેમનો કોઈ પીછો કરી રહ્યું હતું કે પછી આખી કહાની જય ખાંભરાને મોતના ઘાટ ઉતારવા અથવા તેને ગાયબ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી હતી.
બીજી તરફ, રાતભર ચાલેલા સર્ચ ઓપરેશન બાદ વહેલી સવારે તળાવના પાણીમાંથી રાજકોટના જય ખાંભરા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ બહાર કઢાતા જ ઘટનાસ્થળે હાજર લોકો અને તેના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ભેદી રીતે ગુમ થયેલા સાગરીતનો મૃતદેહ મળ્યા બાદ આ કેસ હવે સંપૂર્ણપણે શંકાસ્પદ મોતમાં ફેરવાઈ ગયો છે.
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના પાછળનું સાચું કારણ બહાર લાવવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે જયનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું છે કે પછી તેને તળાવમાં ફેંકતા પહેલાં તેની સાથે કોઈ મારપીટ કે અન્ય જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા શખ્સોએ કેફિયત આપી હતી કે, તેઓ ગત સપ્તાહે પાંચેય મિત્રો કાર સેલ્ફ ડ્રાયવમાં મેળવી રાજસ્થાન ફરવા ગયા હતા. બાદ ગત સોમવારે તેઓ રાજકોટ પરત ફર્યા હતા. અહીં આવ્યા બાદ પાંચેય ઘરે ગયા વિના જ પરાપીપળીયા ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા.
દરમિયાન પુનિતનગર ચોક નજીક પહોંચતા એક સ્વીફ્ટ કાર તેમનો પીછો કરી સતત ડિપ્પર મારી રહી હતી. જેથી તેમણે પૂરપાટ કાર હંકારી મૂકી હતી. પરાપીપળીયા ખાતે પહોંચતા વાડી વિસ્તારમાં રસ્તો પૂરો થઇ જતાં પાંચેય શખ્સો કાર રેઢી મૂકી ભાગ્યા હતા. દરમિયાન જય તળાવમાં પડી ગયો હતો.


