- કર્મચારીને હાથ, પગ અને કમરના ભાગે પહોંચી ઇજા
- ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- વન વિભાગનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો
જુનાગઢમાં આવેલ સક્કરબાગ ઝુમાં સિંહે ઝુના કર્મચારી પર હુમલો કર્યો છે.પાંજરૂ સાફ કરવા માટે કર્મચારી ઉતર્યા હતા તે દરમિયાન અચાનક સિંહ આવી ગયો અને હુમલો કરતા કર્મચારીને હાથ અને કમરના પગે ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.આ કર્મચારી કોન્ટ્રાક આધારિત કર્મચારી છે,ઘટનાની જાણ થતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
19 મે 2024ના રોજ અમરેલીમાં સિંહે કર્યો હુમલો
પીપાવાવ પોર્ટમાં 8 થી 9 સિંહનું ગ્રુપ અત્યારે વસવાટ કરી રહ્યું છે, ત્યારે અહીં ફોરેસ્ટ ઑફિસર તરીકે ફરજ બજાવી રહેલા અમરુભાઈ વાવડિયા પોર્ટના તળાવ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક ધસી આવેલા સિંહે અમરુભાઈના જમણા પગ પર બચકું ભર્યું હતુ. આ બાબતની જાણ થતાં રાજુલા વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત અમરુભાઈને સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, વન વિભાગના કર્મચારીઓ પર જંગલમાં વસવાટ કરતાં સિંહ સહિત અન્ય પ્રાણીઓનું ધ્યાન રાખવાની જવાબદારી હોય છે.
જુનાગઢમાં બે મહિના પહેલા સિંહે કર્યો હતો હુમલો
જુનાગઢ જિલ્લાના બીલખાના ઉમરાળા ગામે વાડી વિસ્તારમાં કામ કરતો શ્રમિક સવારે 7 વાગે કુદરતી હાજતે ગયો હતો. ત્યારે તેના પર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલા જાણ થતાં આસપાસના વાડી વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. એકઠા થયેલા લોકોએ વાડીમાલિકને જાણ કરી હતી. વાડીમાલિકે તરત પહોંચીને ગંભીર રીતે ઘાયલ શ્રમિકને સૌપ્રથમ બીલખા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,
સિંહ ક્યારેય સામેથી હુમલો કરતા નથી
દિપડાઓ દ્વારા માનવી પર હુમલા ની ઘટનાઓમાં તો વધારો થયો છે. પરંતુ સિંહો પણ ક્યારેક માનવ પર હુમલો કરી રહ્યા છે. પરંતુ આ ઘટના બહુ જ ઓછી જોવા મળે છે.સિંહ કદી માનવ પર હુમલો નથી કરતા પરંતુ જ્યારે સિંહને છંછેડવામાં આવે અથવા તેમની પજવણી કરવામાં આવે છે. ત્યારે જ તે માનવી પર હુમલો કરે છે પરંતુ સિંહો માનવ પર હુમલો કરીને તેનું ખોરાક નથી બનાવતા. ફક્ત તે માનવીથી બચવા હુમલો કરીને જતા રહે છે.


