અત્યાર સુધી માત્ર અધિકારો અને કર્મચારીઑ સામે જ કાર્યવાહી: સફેદપોશો સામે કેમ કાર્યવાહી નહિ? ચર્ચાતો સવાલ
રાજકોટમાં સર્જાયેલી કરૂણ ઘટનામાં અત્યાર સુધી માત્ર અધિકારીઓ અને કર્મચારીઑ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ કાંડમાં કેટલાક સફેદપોષ નેતાઑ પણ એટલા જ જવાબદાર છે તેવું ચર્ચાઈ રહ્યું છે. સરકાર પર સચોટ તપાસ કરી અને આવા નેતાઓ સામે કાર્યવાહી કરવા માટે હાલ દબાણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સરકાર આવા નેતા સામે પગલાં લેસે તેવા સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યા છે.
આ રાજકીય દબાણના કારણે સરકાર અને સંગઠનની નેતાગીરીના પગ નીચે રેલો આવી ગયો છે. એકતરફ સીટની રચના થયા પછી જવાબદારીને શોધવા તેમના નિવેદનો લેવાઇ રહ્યાં છે ત્યારે ગાંધીનગરની સ્વર્ણિમ સંકુલમાં આવેલી મુખ્યમંત્રીની કચેરીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના સિનિયર કેબિનેટ મંત્રીઓમાં રીતસરનો ગણગણાટ ચાલી રહ્યો છે કે રાજકોટમાં કાયદાના શાસનનો અંત આવ્યો છે.
રાજકોટની સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થામાં કેવા કેવા કામો થયાં છે અને કેવાં થઈ રહ્યાં છે તેની સિલસિલાબંધ વિગતો ઉપર પહોંચાડવામાં આવી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ કરેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે આ અગ્નિકાંડ સર્જાયો છે પરંતુ તેમને ખોટું કરવાની ભલામણ કોને કરી તે પણ ચર્ચાનો વિષય છે. હકીકતમાં તો રાજકોટના સ્થાનિક નેતાઓએ ખોટી ભલામણો કરી મલાઈ તારવી લીધી છે. ૨૮ નિર્દોષ લોકોના મોત માટે જેટલા અધિકારીઓ જવાબદાર છે તેટલા ભાજપના સ્થાનિક નેતાઓ પણ છે. રાજકોટમાં ભાજપનું શાસન છે. ભ્રષ્ટાચાર કોણે કર્યો છે તેવા સવાલો પૂછાઈ રહ્યાં છે. સત્તાધારી પાર્ટીના કેટલાક નેતાઓ કરોડોના આસામી થઈ ગયા છે. પોલીસ, માર્ગ-મકાન, ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડનું તંત્ર એમ આ બધાંની મીલીભગત સીધી દેખાઈ રહી છે.
હવે આ કેસમાં ફરિયાદો દાખલ કરીને પકડા પકડી ચાલી રહી છે પણ હકીકતમાં તો સફેદ કપડાંમાં ફરતા કેટલાક નેતાઓ સામે ગાળિયો કસવાની જરૂર છે. આજે કેટલાક પરિવારનો માળો વિખરાઈ ગયો છે. પ્રજાની આંખમાં હજી ખુન્નસ છે. અધિકારીઓને પકડ્યા એટલે પોતાની જાતને બચાવી લો તેવું માનતા નેતાઓ સામે પણ આક્રમતાથી પગલાં ભરવા જોઈએ. રાજકોટના લાયસન્સ બ્રાન્ચના એક સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરે તો ચીમકી ઉચ્ચારી હતી કે મારી ધરપકડ થશે તો હું ભાજપના કચ્ચા ચિઠ્ઠા ખોલી નાંખીશ.
ગાંધીનગરમાં આજે પણ સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર એક તરફ ગેમ ઝોનના મામલે નવા નિયમો બનાવી રહી છે અને તે ગમે તે સમયે જાહેર થઈ શકે છે ત્યારે બીજીતરફ તેમની ઉપર રાજકીય દબાણ વધી રહ્યું છે. સચિવાલયની અંદર અને બહાર, મંત્રીમંડળ તેમજ સંગઠનમાં પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે એક લોબી આ નેતાઓને બચાવવા માટે મેદાને પડી છે.


