- 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની નિતિશા કંડુલા એક અઠવાડિયાથી ગુમ થતા ચકચાર
- છેલ્લા છ મહિનાથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, ગુમ થવાનો સીલસીલો યથાવત્
- ભારતીય વિદ્યાર્થિની ગુમ થતા કેલિફોર્નિયા પોલીસે લોકોની મદદ માગવી પડી
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગુમ થયેલ 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે પોલીસની તપાસ છતાં કોઈ પરિણામ સામે ન આવતા આખરે પોલીસે વિદ્યાર્થિનીને શોધવા માટે લોકોની મદદ પણ માંગી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય વિદ્યાર્થીઓ સાથે આવી ઘટનાઓ અમેરિકામાં બની રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, સેન બર્નાર્ડિનોની વિદ્યાર્થિની નીતિશા કંડુલા 28 મેના રોજ ગુમ થઈ ગઈ હતી. જેથી તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે નિતિશાને છેલ્લી વખત લોસ એન્જલસમાં જોવામાં આવી હતી અને 30 મેના રોજ પોલીસ વડા જોન ગુટેરેઝને તેના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું, “ગુમ થયેલ વિદ્યાર્થિની નિતિશા કંડુલા વિશે માહિતી હોય, તો તેણે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, સેન બર્નાર્ડિનો પોલીસ અને અમારા ભાગીદાર લોસ એન્જલસ પોલીસ વિભાગને કરવાનું કહ્યું હતું. પોલીસે નિશિથા કંડુલાના ગુમ થવાની સ્થિતિનું વર્ણન પણ કર્યું છે. વિદ્યાર્થિની અંગે માહિતી આપી શકે તેવા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓ પર અમેરિકામાં આફત
ગયા મહિને શિકાગોમાંથી 26 વર્ષીય ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચંદ્રાના ગુમ થવાનો મામલો પણ સામે આવ્યો હતો. અગાઉ માર્ચ મહિનાથી ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાત અમેરિકાના ક્લીવલેન્ડમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હૈદરાબાદનો રહેવાસી અરાફાત ગયા વર્ષે મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા આવ્યો હતો. માર્ચમાં, 34 વર્ષીય પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની સેન્ટ લુઇસ, મિઝોરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીએ 41 વર્ષીય વિવેક તનેજા પર વોશિંગ્ટનમાં એક રૅસ્ટોરન્ટની બહાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.


