ફાયર, પીજીવીસીએલ, આરોગ્ય, પોલીસ અધિકારીઓ દ્વારા જાહેર સમજણ અપાઇ
વેરાવળમાં ગંભીર દૂર્ઘટનાઓ નિવારવા તેમજ લોકોની સુરક્ષા અને સલામતી માટેના જાહેરનામા અંગે શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એક લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, તબીબો, બિલ્ડરો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ વીડિયોના માધ્યમથી પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, આરટીઓ, ફાયર વગેરે વિભાગના તજજ્ઞો દ્વારા સુરક્ષા અને સલામતીના વિવિધ મુદ્દે જાહેર સમજણ આપવાનો પ્રયાસ કરાયો હતો.
આ સેમિનારમાં સંબોધતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માનવ જિંદગી અમૂલ્ય છે તેને બેદરકારીથી ગુમાવવી પાલવે નહીં એટલે તમામ લોકોએ પોતાની નૈતિક ફરજ સમજીને સરકારે નિર્ધારિત કરેલા ધારાધોરણો અચૂકપણે અનુસરવા જોઈએ. વ્યવસાયિક એકમો માટે કયા પ્રકારના લાયસન્સ જોઈએ ? કેવી જોગવાઈઓ છે? પોતાના વ્યવસાયિક એકમમાં ક્યાં ક્યાં ત્રુટીઓ રહેલી છે? આ તમામ બાબતો લક્ષમાં લઈ તાત્કાલિક જોગવાઈઓને આધિન પૂર્તતા કરવી જોઈએ. આમ કરવાથી જ વારંવાર બનતી દૂર્ઘટનાઓને અટકાવી શકાશે.
પાલિકા દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવા અંગેના વટહુકમની સમજૂતી સહિત મિલકતધારકો માટે બીયુ પરમિશન, બાંધકામ વગેરે માટે લેવાની થતી મંજૂરી અંગે સમજૂતી આપવામાં આવી હતી. સેમિનારમાં ડીડીઓ સ્નેહલ ભાપકર, અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, ડીવાયએસપી ખેંગાર, ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


