- નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી NDAના નેતા તરીકે પસંદ
- નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો
- 7 જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં NDAની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એકસાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત તમામ ઘટક પક્ષોએ બેઠકમાં સમર્થનનો પત્ર આપ્યો છે. આ પત્રો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નામે લખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીટિંગમાં નીતિશ કુમારે કહ્યું કે, મોદી સરકાર જલ્દીથી બને. હવે NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વરિષ્ઠ નેતાઓ મોદીની સાથે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ‘નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે બધા ચૂંટણી લડ્યા હતા અને અમે જીત્યા હતા. દરેક વ્યક્તિએ છેલ્લા 10 વર્ષમાં દેશનો ઝડપથી વિકાસ થતો જોયો છે. અમને તેમના નેતૃત્વમાં વિશ્વાસ છે. તેમના નેતૃત્વમાં જ એનડીએને ફરી એકવાર બહુમતી મળી છે. ભાજપના જેપી નડ્ડા, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત કુલ 24 NDA નેતાઓએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.
નરેન્દ્ર મોદીને NDA નેતા તરીકે પસંદ કર્યા પછી, NDA નેતાઓ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિને મળશે અને સરકાર બનાવવાનો દાવો કરશે. નરેન્દ્ર મોદી 8 જૂને જ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું અને કહ્યું કે તમે નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી કામ સંભાળતા રહો. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 240 બેઠકો મળી છે જે બહુમત કરતા 32 ઓછી છે. આ કારણે ભાજપને જેડીયુ, ટીડીપી સહિત અનેક રાજકીય પક્ષોના સમર્થનની જરૂર છે જે એનડીએનો પણ ભાગ છે.


